પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેરિયોના જીવનમાં પહેલો પલટો એના બાપુના અવસાન ટાણે આવ્યો, ઘરબાર અને માલમિલકત પોતાના નાનેરા ભાઈને ભળાવીને મેરિયો જીનોવા નગર ચાલ્યો ગયો અને ત્યાંથી, પોતાના અનેક દેશભાઈઓની માફક એ પણ તકદીર અજમાવવા સારુ અમેરિકાનો દેશાવર ખેડવા ઊતરી પડ્યો. કેટલાંક વર્ષો સુધી એણે સખત મહેનતમજૂરી કરીને તેમ જ પેટે પાટા બાંધીને આખરે થોડીક મૂડી બચાવી, ને પછી પરાધીનતા છોડીને સ્વતંત્ર રોજગાર માંડવાની મનની મુરાદ બર આણી. ઍન્ટોની ફેરારી નામના એક મિલાનવાસીની સાથે ભાગમાં એણે પોતાના રસાળ વતનમાંથી આસવોની અને મેવાની આયાતનો ધંધો ઉપાડ્યો.

આલ્પ્સ પહાડનો લૅરખડો શિકારી માથું ઊંધું ઘાલીને, એક ઘડી જ જંપ્યા વગર તવંગર થવા સારુ તનતોડ ધંધો ચલાવી રહ્યો હતો એનું એક ઑર મીઠું કારણ હતું : મેરિયોની આંખ પોતાના ભાગીદાર ભાઈ ફેરારીની જુવાન દીકરી બેટીનાના ઉ૫ર નિશાનબાજી તાકી રહેલી છે. બેટીનાના ગૂંચળાંદાર કાળા કેશે અને સ્વપ્નભરી, ઘેનઘેરી બે મોટીમોટી આંખોએ મેરિયાના મોજશોખ અને એશઆરામને ઉરાડી મૂક્યો છે. બેટીના એના બાપને બહુ વહાલી છે. કેમ કે એનો જન્મ થતાં થતાં જ માતાનું મૃત્યુ નીપજેલું અને બાપે બીજું ઘર કરવાને બદલે બેટીને જ લાડકોડથી ઉછેરી આવડી મોટી કરેલી. એવી દીકરીને બાપ કોઈ રઝળતી દશામાં ફેંકવા નહોતો માંગતો. મેરિયો એટલા સારુ થઈને દોટમદોટ પોતાનો ગૃહ-માળો બાંધી રહ્યો હતો.

પણ આ જુવાન ઇટાલિયનની દિન-દિન ચડતી કળા ઉપર ઈર્ષાના, ખૂની, લૂંટારુ દાનતના કાળા ઓળા પડી રહ્યા હતા. અમેરિકામાં ‘મેનો નીરા’ (કાળો પંજો) નામની એક છૂપી ઇટાલિયન ખૂની મંડળી પથરાઈ ગઈ હતી. એનો કાળો પંજો પૈસા માટે જાસાચિઠ્ઠીઓ લખતો, હત્યાની ધમકીઓ મોકલતો.

એક દિવસ સવારે વૃદ્ધ ફેરારી મેરિયોની ઑફિસમાં દોડતો આવ્યો, ખુરશી પર ઢગલો થઈ પડ્યો. એના મોં પરથી લોહી ઊડી ગયું હતું. એના હાથમાં એક ગંદા કાગળનો કટકો હતો.

“શું છે ?” મેરિયોએ પૂછ્યું.

“મેનો નીરા ! બંધુ મેનો નીરા !” એમ બોલતાં, એણે કાગળિયો મેરિયોના હાથમાં મૂક્યો : “એ કાળા પંજાએ મને આ ત્રીજી વાર જાસો મોકલ્યો છે, આમ જો ! ઓ મૈયા મેડોના ! હું હવે શું કરું ?”

મેરિયોએ ઘૃણાપૂર્વક એ કાગળિયો ઉઘાડ્યો અને એમાંનું લખાણ વાંચ્યું – કેટલું ટૂંકું અને ભયાનક ! : ‘પાંચ હજાર ડૉલર રોકડા, શ્રીમાન ફેરારી, આવતી કાલે દસ વાગ્યે : ડેનીની દુકાન પર : નોટોનું પડીકું તારા ડાબા હાથમાં ઢીલું ઢીલું ઝાલી રાખજે અને એને ખેંચી જનાર આદમી સામે નજર સરખી પણ કરતો નહિ. નહિતર મૉત.’

આની નીચે એક પંજો અને એક છૂરી કોઈ અણધડ રીતે ચીતરાયેલાં હતાં.

મેરિયોએ પોતાના ભાગીદારની સામે નજર ચોડી.

“તેં મને અગાઉ કાં આ નહોતું કહ્યું ? આમ કેટલુંક થયાં એ લોકો તારી પાછળ પડ્યા છે ?”

ફેરારી શરીર નાખી દઈને બેઠો. પસીને રેબઝેબ હાથરૂમાલ વતી લૂછ્યા.

મેરિયો શિકારી
433