પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૫ંથ એણે તસુયે ચાતરેલ નહોતો, નક્કી એની હત્યા થઈ છે. હાથોહાથને ધીંગાણે એ મૂઓ હોત તો અમારે કલેજામાં કશો ઓરતો ન થાત.

‘લા વેન્દેત્તા !’ – કેવો કારમો એ શબ્દ છે ! પિસ્તોલના ઘોડો પડતાં જ ઝનઝનાટ થઈ રહે છે તેના જેવો. લા વેન્દેત્તા એ શબ્દોચ્ચાર સાથે, છેલ્લા ‘ત્તા’ અક્ષરના ‘ત્ત’કારની સાથોસાથ કૉર્સિકાના મર્દની છરી દગલબાજના કલેજામાં ચાલી જાય છે.

સંસ્કારી આલમથી અટૂલો પડેલો આ ટાપુ મધ્યયુગના આખરી કિલ્લા સમો દેખાય છે. અને પોતાનાં બચ્ચાંને અંતરે આવા રૌદ્ધ સંસ્કાર રોપનાર તો ખુદ ત્યાંની કુદરત જ છે. એના પહાડો અને ખીણો પ્રકૃતિની શક્તિઓના કોઈ દારુણ રણસંગ્રામની સાક્ષી પૂરી રહેલાં છે. ધરતીનાં પેટાળ ફાડીને કોઈ જ્વાળામુખીએ પાતાળી ખાઈઓ કરી મૂકી છે. એ છેદાયેલા સૈનિકો જેવા ડુંગરાઓને જાણે કે કોઈ ભૂકંપોના દાનવોએ એકાદ વિરાટ ખડકના ટુકડેટુકડા કરીને સર્જાવેલ છે. સેદાર અને પાઈનનાં ઊંચાં ઝાડવાં પણ એ પહાડોનાં હૈયાં વિદારી-વિદારીને જ બહાર નીકળેલાં છે. માનવીનાં હળ-સાંતી જેવાં લોખંડી હથિયારો ચાહે તેટલાં મથે છતાં ન ચિરાતી કઠોર ધરતી પણ જાણે કે અન્નપૂર્ણા નથી પણ એથી ઊલટી કોઈ નિષ્ઠુર સાવકી માતા છે.

આમ એ ટાપુના ઘડતરમાં જ તોફાનનાં, સંહારલીલાનાં, કુદરત સાથેના નિરંતર ચાલુ વિગ્રહનાં જ તત્ત્વો પડ્યાં છે. એ તત્ત્વોની સોબતે ટાપુનાં બચ્ચાંને માના પેટમાંથી જ પોતાની તાલીમ પિવાડી છે. ટાપુના ચહેરા ઉપર જ્યાં જુઓ ત્યાં ઉગ્રતા, ગરૂરી, વેદના અને ગમગીની જ અંકિત થઈ છે, એ જ ચાર ગુણો લખાયા છે પ્રત્યેક કૉર્સિકાવાસીના વદન ઉપર. એનાં નામ પણ જુઓ તો સ્પાદા (સમશેર), અથવા તો સાએત્તા (વીજળી) - એ નામો જ બહારવટાંની આગાહી કરે છે. નાનાં બચ્ચાં લખતાં-વાંચતાં-ભણતાં નથી. પણ ગેંડાનો શિકાર શીખે છે; કુદરતનાં તૂફાનો સામે – વાવાઝોડાં, ભૂકંપો, જળપ્રલય અને સળગતા દુકાળો સામે – ટક્કર ઝીલતાં શીખે છે.

[2]

આમ છતાંયે રોમાનેતી તો હંમેશાંનો સુલેહપ્રેમી અને કાયદાપાલક પ્રજાજન હતો. એને ખૂનખરાબા અને ઝાડીજંગલને માર્ગે જબરદસ્તીથી હડસેલનાર તો હતા વિશ્વાસઘાત અને ગેરઇન્સાફ. જગતના કૂડા રાહથી એ ગૂંગળાઈ ગયો ત્યારે જ પછી, બીજા અનેક ની પેઠે એ પણ માછિયામાં – અટવીમાં છુપાયો, ને ત્યાં રહ્યે રહ્યે પણ પોતાને ઘડીભર જંપવા ન દેનારી, દિવસરાત કોઈ શિકારને શોધી રહેલી શિકારી સરખી એ રાજસત્તાને હંફાવતો બેઠો. પણ બીજા આવા ભાગેડુઓ કરતાં પોતે સાતગણી ટક્કર ઝીલી શક્યો. કેમ કે રોમાનેતીની ખામોશી અદ્‌ભુત હતી; એનો બંદૂકપિસ્તોલ પરનો કાબૂ અફર હતો; એટલે જ એણે રાજની ફોજોને દોઢ દાયકા સુધી માત રાખી. એટલે જ એ બહારવટિયાનો રાજા બોલાયો. રાજ-પોશાકધારીઓનો એ જમદૂત હતો, બેટવાસીઓનો એ દિલોજાન હતો.

ધંધે તો હતો એ ધિંગો માલધારી. ઢોર કાપતો પણ ખરો. પોતાના ગામના માંડવીચોકમાં એ મેળાને દિવસે કે મોટી ગુજરી ભરાવાને દિવસે ઢોર કાપીને માંસ વેચતો. એવા એક પ્રસંગે એવું બન્યું કે જે ઘરાકી ફાટી નીકળી ને બીજા એક બેયને કાપવાની જરૂર પડી. એણે તાબડતોબ પોતાના એક ધંધા-ભાઈની પાસે માણસ દોડાવ્યો, પૂરી

રોમાનેતી
449