પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરવાનગીથી અને પુરેપરા મૂલે એણે એ ભાઈબંધના ખેતરમાંથી પશુ લીધું ને તે જ રાતે પીઠાની અંદર ભાઈબંધને નાણાં પણ ભરી દીધાં. રોકડા પૈસાનો સોદો, ઉછીઉધારની વાત નહોતી, એટલે નાણાંની પહોંચપાવતી લેવાદેવાનો સવાલ જ નહોતો.

થોડા દિવસ થયા. ને એક વાર મોટે ભળકડે એને એની ઓરતે ઢંઢોળ્યો : “ઝટ જાગો.”

“કાં ?”

“આંગણે કુલેસ ઊભા છે.”

ફુલેસ ? રોમાનેતીને ફાળ પડી. આપણે ઘર અત્યારમાં ફુલેસ ? શા કારણે ?

ત્યાં તો પોલીસની પાર્ટીએ ધમાચકડી બોલાવી દીધી : “ચલો સાલે ! પારકાનો બેલ ચોરવો મીઠો લાગે છે કેમ ? ચાલો શહેરમાં. નીકળ જલદી ઘરની બહાર, ચોટ્ટા !”

ભોળિયો ધંધાદારી ! ડરતા ડરતો સુલેહશાંતિથી પેટગુજારો કરનાર આ ગામડિયો ‘ફુલેસ’ના બોલવા પરથી પામી ગયો કે પેલા ભાઈબંધે સરકારમાં જઈને ફરિયાદ નોંધાવી છે કે રોમાનતી અમારો બેલ ચોરી ગયો છે - ને નાણાં આપતો નથી.

‘ફુલેસ !’ - એ શબ્દ જ્યારે ગામડિયાને કાને પડે છે ત્યારે એ ધોળે દિવસે તારા ભાળે છે. એની નસોમાં લોહી થીજી જાય છે. ફુલેસ : સપાઈ : ફોજદાર : ગામડિયાને મન આથી વધારે અમંગળ બીજા શબ્દો નથી.

બેબાકળો બનીને રોમાનેતી પથારીએથી પરભારો નાઠો, પાછલી બારીએથી રફુચક થઈ ગયો, ને ઝાડીમાં છુપાયો. ત્યાં બેઠે બેઠે એણે પેલા ફરિયાદ નોંધાવનાર ભાઈબંધની સાથે વાટાઘાટના સંદેશા ચલાવ્યા : એ ભાઈ ! તારી ગૌ ! હું હાથ જોડું છું : હું તને ફરી વાર આખી કિંમત ચકાવું. ને વળી એક સો ફ્રાંક ઉપરિયામણ આલું. કોઈ વાતે તું ફરિયાદ પાછી ખેંચી લે, મારો છૂટકો કર. મારે કોરટને બારણે ચડવાનો મોખ નથી.

રોમાનેતીની નજર સામે ‘ફુલેસ’ની ધક્કામુક્કી, વકીલોના લૂંટણવેડા, કાચી જેલમાં અચોક્કસ મુદત સુધી સબડાટ અને પછી છેવટે પાકી તુરંગના છ-બાર મહિના તરવરતા હતા. પહોંચપાવતી વિના પોતાનું સાચ કોરટમાં ટકશે નહિ એવી ફાળ એને પડી ગઈ હતી.

ફરિયાદીએ આ કહેણ કબૂલ રાખ્યું. કહેવરાવ્યું કે આવતી કાલે આપણે અમુક ઠેકાણે મળીએ. નાણાંની પતાવટ કરીએ ને પછી અદાવતને દારૂની અક્કેક કટોરીમાં ડુબાવી દઈએ.

પણ ગામડિયો રોમાનેતી શકમંદ સ્વભાવનો હતો. એને ભરોસો બેઠો નહિ. એણે એક ભાઈબંધને નાણાં લઈને મોકલ્યો. પોતે શું થાય છે તે જોતો એક શિલાની ઓથે બેઠો.

ઝીણી આંખોએ નિહાળી રહ્યો; દગો હતો ! બાર પોલીસો એ મળવાની જગ્યાએ છુપાઈને બેઠા હતા.

“બેટમજીને કહી આવો જઈને,” એણે એ દગલબાજને બીજો સંદેશો મોકલ્યો : “- કે ખબરદાર રે’જે : આ વખતે તો તુંને બંદૂકની ગોળીનો ભડાકો સાંભળવા જેટલોયે સમો નહિ રહે.”

- ને રોમાનતી પોતાનું બોલ્યું બરાબર પળ્યો. બીજે જ દિવસે સવારે ભાઈબંધ ગામની બજારે નીકળે છે ત્યાં પછવાડે એક ઝાડની ઓથેથી ગોળી છૂટી, બરાબર છાતીએ ચોંટી, ને એના રામ ત્યાં ને ત્યાં રમી ગયા.

તે દિવસથી રોમાનતી ‘બેન્દીતો’ (બહારવટિયો) જાહેર થયો, એના માથા માટે ઇનામ

450
બહારવટિયા-કથાઓ