પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નીકળ્યું. પોતાની ઓરતને ધંધાના વહીવટની ભલામણ કરી, છેલ્લી વારનું આલિંગન આપી રોમાનેતી તે જ દહાડે પહાડોની ગોદમાં જઈ સમાયો. ત્યાં એણે પગારવડિયે કઠિયારાઓનું અને શિકારીઓનું પહાડી સૈન્ય ઊભું કર્યું. એણે પોતાની નીતિથી સૌને વાકેફ કર્યા કે -

“જુઓ ભાઈ, મારે કોઈને લૂંટવા કરવા નથી : ન કોઈ રાહદારીને કે ન તો રાજને : ન એક પૈસા સાટુ કે ન હીરા-માણેકની કોથળી સાટુ. તેમ મારે કોઈને વગર વાંકે મારવા-પીટવાયે નથી. હું તો ખાવંદ ધણીની રહેમથી ઘરનો સુખી આદમી છું. ને મારી મતલબ આંહી બેઠે બેઠે પણ ઘરનો ધંધો ચાલુ રાખવાની છે. આ બધો બંદોબસ્ત મારી આતમરક્ષા પૂરતો જ છે. મારી હારે સહુ નેકપાક રે’જો. ઇમાનથી કદી ડગશો નહિ.”

એ રીતે વંકા પહાડને ખોળે બેઠાબેઠાં રોમાનેતીને પોતાનાં માલથાલ (ઢોરઢાંખર)ના સોદા માંડ્યા, અને પોતાની વાડીને માંડવેથી ઊતરતી અંગૂરનાં વેચાણ ચાલુ રાખ્યાં.

એની પાછળ તો ફોજો ભમવા લાગી હતી. પણ પહાડોનો પાદશાહ રોમાનેતી આતમરક્ષાની અક્કલમાં કોઈથી ઊતરે તેવો નથી. સરકારી જાસૂસોની સામે બહારવટિયાનું પણ પાકું જાસૂસખાતું ગોઠવાઈ ગયેલું છે. એના મોટામાં મોટા જાસૂસ કુત્તાઓ હતા, ઝીનેત્તા અને કાળિયો નામના બે કુત્તા બહારવટિયાના માનીતા અંગરક્ષકો છે. બન્ને જણા દિવસરાત એક પલ પણ અળગા થયા વગર પોતાના એ માનવમિત્રની બેઉ બાજુએ બેઠા રહે છે. એને અપાયેલી તાલીમ તાજુબ કરે તેવી હતી. બન્નેના મોંમાં જાણે અવાજ જ નહોતા, મૂંગા અવધૂતની માફક બને ઝીણી ઝગારા કરતી આંખો અધમીંચી રાખીને બેઠા રહેતા. અને તેઓનો એક લગાર જેટલો જ ઘુરકાટ દુશ્મનોનાં દૂરદૂર ચાલતાં પગલાંની ખબર દેવા માટે ગનીમત થઈ પડતો.

તે પછી થોડે દૂર, એથી જરી વધારે દૂર, ઑર થોડે છેટે – એમ કેટલાક માઈલો સુધીના ગોળ ઘેરાવામાં સંત્રીઓની અને કુત્તાઓની ચોકી દિવસરાત વીંટળાયેલી જ રહેતી. પરિણામે ‘ફુલેસ’ની ગિસ્ત લગોલગ આવી પહોંચે તે પહેલાં તો બહારવટિયો બાતમી પામીને પચીસ કોસ દૂર નીકળી જતો હતો. બહારવટિયાના ભોમિયા મરણિયા અને બુદ્ધિવંત હતા.

[3]

પહાડના પોલાણમાં એક રાતે બહારવટિયો બેઠોબેઠો કંઈક ગીત ગુંજે છે :

પાનીસે મછલી કિતની દૂર !
બે કિતની દૂર !
બે કિતની દૂર !
બાદલસેં બીજલી કિતની દૂર !
બે કિતની દૂર !
બે કિતની દૂર !

એ વારંવાર ઘૂંટાતાં ચરણોમાંથી આખરે ફક્ત આટલો જ સૂર કોઈ ચગેલા પતંગની માફક, ઊંઘ લઈ ગયેલા ભમરડાની માફક વાજી રહ્યો કે -

કિતની દૂર !
બે કિતની દૂર !
બે કિતની દૂર !

રોમાનેતી
451