પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બખોલની શિલાઓ ખંજરી બજાવતી બહારવટિયાની સૂરાવળને તાલ આપે છે. આખરે બે હોઠ વચ્ચેની સિસોટી કોઈ પંખીની પેઠે ગાય છે કે -

કિતની દૂર !
બે કિતની દૂર !
બે કિતની દૂર !
પાનીમેં મછલી કિતની દૂર !
બાદલસેં  બીજલી કિતની દૂર !

જુવાન બહારવટિયાને ઘણે દિવસે ઘર સાંભર્યું છે. ઓરતને મળવા દિલ તડપે છે. રંગીલો રોમાનેતી ઘેરે સંદેશો પણ મોકલી ચૂક્યો કે ‘આજ સાંજનું વાળુ તારા હાથનું કરવું છે’.

રાત પડી. ગામના પોતાના ઘરની પછીતથી માંડી છેક પહાડના ગુપ્તસ્થાન લગી એક પછી એક જાસૂસ સંત્રીની આલબેલ-એંધાણી અપાતી ગઈ; જરીકે જોખમ નથી એવાં સંકેતચિહ્નો મળતાં બહારવટિયો બખોલેથી ઘેર જવા નીકળ્યો. અધરાતનો ગજર થયે એણે હેમખેમ ઘરમાં પગ દીધો. ઘણા કાળના ગાળા પછી માંડમાંડ જીવતાં મિલાપ થવા પામ્યો છે, એટલે ગળતી રાતની ગાઢી ગળબથ્થો લીધા પછી, હૈયાં એકમેકની અંદર ઠાલવી દઈને પછી, ઓરતે કોડેકોડે રાંધેલું વાનીવાનીનું વાળુ માણવા માટે રંગીલો રોમાનેતી દરવાજા સન્મુખ મોં કરીને જમવા બેઠો. બાજુમાં એક બંદૂક મૂકેલી છે, ને ગજવામાં પાંચ-છ નાની પિસ્તોલો અકબંધ ભરેલી ઠાંસી છે.

હજુ તો જ્યાં બહારવટિયો પહેલો કોળિયો ભરે છે, ત્યાં ઘ ૨ ૨ ૨ ! બાજુમાં બેઠેલા બન્ને કુત્તાએ ધીરો ધીરો ઘુરકાટ કાઢ્યો. અમસ્તા કાપી નાખો તોયે ન ઉચ્ચાર કરે તેવા એ ઝીનેત્તા અને કાળિયાની આ સનસ કદી જ ખોટી ન હોય. પણ આ એકાએક શું થયું ? – એમ વિચારે છે ત્યાં તો પળમાં જ એક જાસૂસે હાંફતાં હાંફતાં આવીને જાણ કરી કે “ફુલેસ ! ફુલેસની આખી ટુકડી ઘર ઉપર ધસતી આવે છે.”

અન્નનો કોળિયો નીચે મૂકી દઈને રોમાનેતી ખડો થયો. ઓરતને એક ચૂમી કરી, અને જાસૂસને કહ્યું : “જાવ, આડા રહીને ફેર કરો.”

પોતે પાછલા ઓરડામાં ગયો, અને બહારવટિયાના આદેશનું યંત્રવત્ પાલન કરનાર સાથીએ ઉઘાડા મોયલા દરવાજાની અંદર પ્રવેશતી રોશની સામે ધસ્યો. એને જોતાંની વારે જ પોલીસની બંદૂકો છૂટી. એ ભોય પર ઢળી પડ્યો, પણ પડ્યાં પડયાં એણે અર્ધચંદ્રાકારે સબસબાટ પિસ્તોલ ચલાવી, ધસી આવતાં ‘ફુલેસ’માંથી કેટલાકને જખમી કર્યા. બહારવટિયાના બીજા સાથીઓ પણ શિલાઓ અને ઝાડવાંની વચ્ચે સંતાઈને ગોળીબાર કરવા લાગ્યા. દરમિયાન રોમાનેતી પાછલી બારીએથી કૂદીને બહાર પડ્યો. એના પગનું કાંડું ખડી ગયું.

આખો જ હલ્લો મકાનના આગલા ભાગમાં મચેલો છે એમ સમજીને પોતાના સાથીઓ તથા પોલીસો વચ્ચેની ઠારમઠોર સાંભળતો બહારવટિયો પાછલી જગ્યાએ ભાંખોડિયાંભર ચાલવા લાગ્યો ત્યાં તો કુત્તો ઘૂરક્યો; અને એક તીણો અવાજ આવ્યો : “ખબરદાર ! રુક જાવ ! નહિ તો ઠાર કરું છું.”

જવાબમાં બહારવટિયાએ એ અવાજની સામે ફેર કરીને, ભાંગેલા પગની વેદનાને

452
બહારવટિયા-કથાઓ