પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધર્મ સમજતો. આ કપ્તાન સાહેબને પણ લશ્કરી ઈમાનવાળા આદમી લેખી મુલાકાતની હા પાડી. કપ્તાને ખુદ પોતે જવાને બદલે પોતાને નામે એક દોસ્તને ધકેલ્યો, ને પોતે પછવાડે એક ખેડૂતના વેશમાં પેસી ગયો, જે ઝૂંપડામાં બહારવટિયાની મુલાકાત થવાની હતી તેની બહાર કપ્તાન છુપાઈ રહ્યો. ભળકડાની વેળા થઈ ત્યારે એણે પોતાના દોસ્તને એ ઝૂંપડામાંથી કેટલાક ભોમિયા ભેળો નીકળીને જતો જોયો. માની લીધું કે મુલાકાત થઈ ગઈ. માન્યું કે અત્યારે બહારવટિયાનો સામનો કરીને ઝટ ચાંપી દેવાનો લાગ છે, જેવા પેલા ભોમિયા ઘોડે ચડી પોતાના ભાઈબંધની સાથે ચાલી નીકળ્યા, તેવો જ આ કપ્તાન ઝૂંપડાના દ્વારમાં પેઠો. એકાએક દ્વાર ખોલીને એણે રાઈફલ તાકી, અંદર બેઠેલાઓને પડકાર દીધો કે “ઊંચા હાથ – જલદી હાથ ઊંચા લ્યો.”

બેઠેલાઓમાંથી કોઈ હલ્યુચલ્યું નહિ.

એકાએક કપ્તાને પોતાની પછવાડેથી ‘હા - હા - હા’ એવું હાસ્ય સાંભળ્યું. એક અવાજ આવ્યો : “સાહેબ બહાદુર. જો તમે રોમાનેતીને શોધતા હો તો આ રહ્યો આપનો નમ્ર સેવક. પણ હું આપને શાંતિથી ચાલ્યા જવાની સલાહ આપું છું. હું ધારું છું કે જિંદગી તો તમનેય પ્યારી છે. માટે કહું છું કે ડાહ્યા હો તો પધારી જાઓ.”

કપ્તાને ચક્કર ફરીને પાછું જોયું. જે માણસને પોતે ઠેકાણે પાડવા આવ્યો હતો. તે તો બેધડક ને બેપરવા. ખીસામાં બેઉ હાથ નાખીને રસ્તા વચ્ચે સામી છાતીએ ઉભેલો હતો.

હજુ ભળભાંખળું હતું. બહારવટિયાનું કલેવર દેખાતું હતું. ચોખ્ખું નહિ, પણ ઝાંખું ઝાંખું.

“સાહેબ બહાદુર, આપ સિધાવી જાઓ.” ફરીને અવાજ આવ્યો.

કપ્તાન સાહેબે એક પલની પણ વાટ જોયા વગર ઉપરાઉપરી ગોળીબાર કર્યા.

પરોઢિયાના ધુમ્મસમાં બહારવટિયાનું બાંડિયું પાતળું કલેવર અસ્પષ્ટ રહ્યું. એકેય ગોળી ન અંટાઈ.

ફરી વાર અવાજ. “હવે તો બસ, પાછા ફરી જાઓ અને જગતને જઈ કહો કે મેં અંગત જેઓનું કંઈ બગાડ્યું નથી તેઓ પણ મારા પર હલ્લો કરે છે ત્યારે મને ઈન્સાનનો જાન લેવો ગમતો નથી. હું રોમાનેતી લોહીનો પ્યાસો નથી. સિધાવો સાહેબ બહાદુર, હવે ભડાકો મા કરજો.”

બહારવટિયાની આ મહાનુભાવતાએ તો કપ્તાન બહાદુરને ઊલટાના અધિક ગાંડા બનાવ્યા. એનું અભિમાન ટુકડેટુકડા થઈ ગયું. એણે ફરી વાર ગોળી છોડી.

ગોળીનો જવાબ સામેથી ગોળીએ જ દીધો. એક જ ઝળેળાટ થયો, ને કપ્તાન ધૂળ ચાટતાં ૫ડ્યા.

રોમાનેતી પાસે આવ્યો. કપ્તાનની લાશને એણો ગમગીન હૃદયે ઉથલાવીને ચત્તી કરી.

“શા માટે” - પોતાની આસપાસ વીંટળાઈ વળેલા સાથીઓને એણે કહ્યું : ‘શા માટે આ લોકો મારી પાછળ લાગ્યા છે ! શા સારુ મને એ પહાડોમાં એકલો પડ્યો રહેવા દેતા

નથી ! હું ક્યાં એને ગોતવા જાઉં છું ! મારી આ કડવી ઝેર બની ચૂકેલી જિંદગાની પણ

રોમાનેતી
455