પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“તો હવે કાંઈ ડર નથી ના ? હાલો જઈને મેયર સા’બ પાસે સાક્ષી દઈએ.”

સાયો ખૂની ફેરારી નહિ પણ સ્પાદો છે, એની જુબાનીઓ દેવા અનેક જાણકારો મેયર કને આવ્યા.

“અમે આજ સુધી બહારવટિયાની બીકે જબાન ખોલતા નહોતા.” એવો એકરાર કર્યો.

મેયરે ડોકું ધુણાવ્યું : “બિલકુલ નહિ, એક વાર કરેલ કાગળિયાં હવે નહીં ફરી શકે.”

“હાંઉ ! બસ ! બચાડો નિરપરાધી ફાંસીએ હાલ્યો જાશે ?”

“બેશક જાશે.”

લોકો તો જોઈ રહ્યા, અને તહોમતદાર ફેરારીને પગમાં બેડી તથા હાથકડી નાખી, એ હથિયારબંધ પોલીસોની પાર્ટી મહાલના એજેસિયો ગામ તરફ લઈ ચાલી.

એકાએક ઝાડીમાંથી એક અડબૂથ મોટો જુવાન જંગલી પશુની જેમ નીકળી પડ્યો ને એણે ત્રાડ પાડી : “એ હેઈ ! હું સ્પાદો છું. મેં જ ઈ ખારવાને ઠાર માર્યો છે. ફેરારી બાપડો કંઈ જ જાણતો નથી. એને છોડો, હાલો, હું તમારો કેદી બનીને આવું. નાખો બેડીયું મારા પગમાં.”

પોલીસો ઊભા રહ્યા. થોડી વાર વિચારમાં પડ્યા, પછી માથાં ધુણાવીને બોલ્યા : “ના ભા ! અમને તો હુકમ છે કે ફેરારીને જ જેલમાં લઈ જવો, અમે તો ચિઠ્ઠીના ચાકર.”

“એને છોડવો છે કે નહિ ?” સ્પાદો ખિજાઈને તાડૂક્યો : “કહું છું કે ખૂની હું છું, ઈ બચાડો નિર્દોષ છે.”

પોલીસોએ ફરી વાર માથાં હલાવ્યાં, કેદીને લઈને એ ચાલતા થયા.

“ઠીક ત્યારે તકદીર તમારાં ! –” સ્પાદાએ હાક મારી : “હું એને છોડાવ્યે જ રહીશ.”

એટલા શબ્દોની સાથે સ્પાદાની પિસ્તોલમાંથી બે બાર છૂટ્યા. એક પોલીસ જખ્માઈને એ ઊંચી પગદંડી પરથી ઊડ્યો, તે દોઢસો હાથ ઊંડી ખીણમાં જઈ પડ્યો. બીજાની ખોપરી ફાટી ગઈ.

સ્પાદાએ ફેરારીને મોકળો કર્યો. પૂછ્યું, “હવે ?”

“હવે તો ભાઈ, આ ફુલેસ મૂઆ એટલે મારે માથે બેવડું આળ મુકાશે. ને કોરટમાં ફેંસલો તો અવળો જ પડશે.” ફેરારી વિમાસણમાં પડ્યો.

“તો માંડ ભાગવા. જા ભળી જા રીમાનેતી ભેળો. આમેય મૉત ને આમેય મૉત.”

“ને તું ?”

“મેં પણ કામો એવો કર્યો છે કે હવે હુંય ભાઈ રોમાનેતીની ભેળો થઈ જઈશ.”

આ રીતે નીતિવંત જંગલવાસી સ્પાદો હવે બહારવટિયો બન્યો. તે રાત એ એક ભાઈબંધના ઘરમાં રોકાવાનો હતો એવી જાણ ફેરારીએ ભાગીને રોમાનેતીના સાથીઓને કરી દીધી.

“ત્યારે તો હવે સ્પાદાને વેળાસર બચાવી લાવીએ.” એમ કહીને બહારવટિયો ઊપડ્યો તે ભળકડે એ સ્પાદાના ભાઈબંધને ખોરડે પહોંચ્યો. પહોંચતાં જ એને ફાળ પડી : “આ શું ! આ ખોરડું તો ફુલસે ઘેરી લીધું છે.”

અંદર સ્પાદો ઘસઘસાટ ઘોરતો હતો. શી રીતે ચેતાવવો એને ?

રોમાનેતી
457