પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મૂક્યો. ઉ૫૨ આકાશના ઝાંખા તારા ઝબૂકતા હતા, આસપાસ ખડકોની અને ઝાડોની આછી પાંખી રેખાઓ સિવાય બીજું કશું જ નજરે પડતું નહોતું. ચોપાસનો એકેએક કાળો આકાર કોઈ અજાણયા ભયનું ખંજર છુપાવીને ખડો હતો.

નીચે, કેટલેય નીચાણે કિનારા પર બળતા થોડાક દીવાઓને ઝાંખે અજવાળે દરિયો દેખાતો હતો.

થોડે દૂર ઝાડની એક ડાળીનો કચૂડાટ થયો, અને ‘ક્લીક’ કરતા અવાજ સાથે, વીજળીબત્તીની રોશનીએ અમને આભા બનાવ્યા. પણ એક જ પલ - પછી પાછો વધુ ઘાટો અંધકાર અમને ભીંસતો ઊભો. કોઈ ઊંડા ઘાટા અવાજે અમારા ભોમિયાને કંઈક પૂછ્યું. એ પુછાણમાં કરડાકી અને સંદેહ ભર્યા હતાં. પછી અવાજ આવ્યો : “વેન્ગાન - આવો !”

બે બુલંદ કુત્તાઓ ટટ્ટાર ખડા હતા. પોતાના કાન ઢીલા કરીને તેઓએ આ નવીન ગંધવાળા અજાણ્યા આદમીને આવવાની સંમતિ આપી.

હું સમજ્યો. બહારવટિયાની પ્રાણરક્ષણની પહેલી ચોકી પર અમે આવી પહોંચ્યા છીએ.

એટલામાં તો એકાએક એ ખડકોમાંથી બે બીજા આદમીઓએ નીકળીને અમારી વચ્ચે જગ્યા લીધી. ચુપચાપ અને સચેત બની અમે ચાલ્યા. અવારનવાર કોઈ વંકી જગ્યાએ ચોકીદારોની બત્તીઓ ઘડીભર અમારી કેડી અજવાળીને પાછી ઓલવાઈ જતી હતી; ને એ પલકવારના ઝબુકાટમાં હું મારી આસપાસના એ ત્રાંબાવરણા, કાળમીંઢ-શા કઠણ, પહોળા અને પડછંદ માનવ-આકારોને નિહાળી લેતો. તેઓને ખભે તૈયાર બંદૂકો હતી. તેઓના પટ્ટામાં અને ગજવાંમાંથી ડોકિયાં કરતી પિસ્તોલો ને છૂરીઓ એ પ્રકાશને પલકારે ચમકી રહેતી.

હું જો એક નોતરાઈને આવેલો પરોણો ન હોત તો તો મને એમ જ લાગી જાત કે આંહીં મારા જાનની કિંમત એક દમડી જેટલી પણ નથી. પણ હું જાણી ચૂક્યો હતો કે કૉર્સિકા બેટના મહેમાનદારીના કાયદા અવિચળ છે. મને ફડકો તો ફક્ત એક જ હતો કે આજુબાજુમાં જાસૂસી કરતો કોઈ સરકારી સિપાહી જો અમને મળી ગયો ને, તો તત્કાળ મને આ લોકો કોઈ સરકારનો મળતિયો દગલબાજ જ માની લેશે. ને એક જ ભડાકો મારી આ મુલાકાતની સમાપ્તિ આણશે.

બહારવટિયાના રક્ષકો કશી વાતની ચર્ચા કરવા કંઈ થોડા થોભે છે ! એને તો પોતાના સરદાર તરફની વફાદારી મુખ્ય વાત છે. નિર્દોષ કોઈ માર્યો જાય તેનો બેશક એને અફસોસ થાય, પણ ઝલાઈ જવાના જોખમમાં ઊતરવા કરતાં તો શક પડ્યો કે બંદૂક ચાંપવી જ ભલી !

એકાએક કેડો પહોળો બન્યો ને સપાટ ભોં આવી. પછી અમે છ-સાત ઝૂંપડાંના એક નેસ સોંસરવા પસાર થયા. બીજે છેડે ઝૂંપડું હતું ત્યાં અમે થંભ્યા. એ ખુલ્લા કૂબામાંથી હૂંફાળી સગડી ઝબૂકી.

એક ભરવાડનું – બહારવટિયાના ભાઈબંધનું – એ ઝૂંપડું હતું. રક્ષકોના હુકમ મુજબ હું અંદર દખલ થયો. ભરવાડે મને પથ્થરની બેઠક પર બેસાડીને કહ્યું : “ઈ હજી આવ્યો નથી. પણ હમણાં આવી પોગશે.”

રોમાનેતી
459