પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જુઓ દોસ્ત, તમને બતાવી દઈએ કે અમે કંઈ હરદમ ગમગીનીમાં જ જિંદગી નથી કાઢતા. ઓ દોસ્તો, ચાલો. ગાનાં-બજાનાં ચલાવો.”

એક આખું મંડળ રચાયું. એક જણ ગિટાર બજાવતો બેઠો, અને આખું મંડળ કૉર્સિકા બેટના મશહૂર વિલાપગીતો ગાવા માંડ્યું. એ વેધક શોકસૂરમાં એક પછી એક લોકગીતની પહેલી લીટીઓ ઠલવાતી ગઈ.

પછી બહારવટિયો પણ ઊઠીને એ રાસમાં શામિલ બન્યો. અને પોતાના સુંદર ઘેરા ગળામાંથી ‘વોસેરી’ નામના લોકગીતની અક્કેક કડીને વારંવાર ઊલટાવી ઉલટાવી ઝૂકવા લાગ્યો. એ ગીત મહેમાનના માનમાં ગવાય છે. ને એની મુખ્ય પંક્તિ તરીકે ‘લાખેણો મરદ આપણા ઘેરે આયો રે!’ એવું કંઈક જોડકણું જોડાય છે. પછી કેટલાંક ઈટાલિયન ગીતો લલકારાયાં. પણ ફરી બહારવટિયા એ સુધરેલા ઈટાલિયન સંગીત પરથી પોતાના બથ્થડ દેશી ઢાળો પર આવી પડ્યા, અને જરી વારમાં તો એ દેશી સંગીતના મસ્ત ઝંકારે હવા ધબકી ઊઠી.

વેરાનની રાત આ રીતે ગાન, નાચ અને ગુલતાનમાં ગળવા લાગી.

જિંદગીમાં જાણે રજમાત્ર ચિંતા ન હોય એવા મસ્ત ઉલ્લાસથી ગાતો, નાચતો અને મદની પ્યાલીઓ પીતો આ રસીલો અણથાક માનવી વિકરાલ બહારવટિયો હશે, પલેપલ એનું માથું ડગમગતું હશે, એના નામોચ્ચારથી છોકરું છાનું રહેતું હશે ને ભલભલા જંગબહાદુરોનાં કલેજાં કાંપી ઊઠતાં હશે એવું કોણ કલ્પી શકે !

પણ એ કઠોર સત્ય મારી સંમુખ જ આવી ઊભું રહ્યું. એ બુલંદ રાસલીલાની વચ્ચે એકાએક બહારથી એક લાંબો ઊંડો અવાજ આવ્યો. કુત્તા ભસ્યા, અને એક પલમાં નિઃશબ્દતા છવાઈ ગઈ.

એક પલ પહેલાં જ રોમાનેતીનાં પગલાં એ નાચમાં લથડિયાં લેતાં હતાં. અઢી રતલ કાચી બ્રાન્ડીએ બહારવટિયાના લોખંડી મનોબળ ઉપર પણ માદકતાની અસર આણી દીધી હતી. આંખો ઘેરાતી હતી.

પણ પછી ! - નશાબાજીનાં તમામ ચેનો એક પક્ષીના પડછાયાની પેઠે ચાલ્યાં ગયાં. ઘનઘેરી ચકચૂર આંખો ફરી વાર ચોખ્ખી ને ચળકતી બની ગઈ. મને એણે બાજુએ ખેસવીને પોતાની બંદૂક પંજામાં જકડી લીધી.

એક આદમી દાખલ થયો ને કંઈક ગણગણ્યો. રોમાનેતીએ મારી સામે મસ્તક ઝુકાવી, મોં મલકાવી આ રંગભંગ માટે માફી માગી. ચપોચપ બંદૂકો તપાસાઈ ગઈ. કમરપટ્ટા તંગ કરી લેવામાં આવ્યા. અને આખી ટુકડી, હારબંધ, ગંભીર ખામોશી સાથે કૂચકદમ કરી નીકળી ગઈ.

થોડી ઘડી પછી મેં ઘોડાના ડાબલા પડતા સાંભળ્યા; ને તે પછી આઘેઆઘેથી એક ગોળીબાર સાંભળ્યો. બારણાની બહાર ગયો ત્યાં તો સર્વ સૂનકાર અને સન્નાટ હતો.

બહારવટિયાનો રાજા રોમાનેતી ગાયબ બન્યો હતો !

મારે કમનસીબે વળતે પ્રભાતે મને ત્યાં જોઈ લેવામાં આવ્યો હતો, એટલે પાછા વળતાં મને બે પોલીસોએ પરહેજ કર્યો. મારે કાંડે લોખંડી સાંકળ જડવામાં આવી. મને શહેરમાં લઈ જઈ, બહારવટિયાને ચીજવસ્તુ પહોંચાડનાર તરીકે રજૂ કરવામાં આવ્યો. હું કોણ છું તેની ખાતરી કરાવતાં સદ્ભાગ્યે મને છોડવામાં આવ્યો હતો.

462
બહારવટિયા-કથાઓ