પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



[8]

વાત ચાલે છે કે ભાઈ, એક દિવસ રાતે એક અંદરગાળાના ગામડાની હોટલમાં બહારવટિયાના આવા રંગરાગ અને નાચગાનનો જલસો જામી પડ્યો હતી. અંદર એ મહેફિલની ઝૂક મચેલી હતી અને બહાર કુત્તા તેમ જ માનવ સંત્રીઓ બબ્બે ગાઉ ફરતા ચોકી રાખી રહેલા. એ ગુલતાનની વચ્ચે ગામનો ધર્મગુરુ આવીને ઊભી રહ્યો, બહારવટિયાની પાસે જઈને કાનમાં કંઈક કહ્યું.

શબ્દ સરખો પણ બોલ્યા વગર બહારવટિયો ચૂપચાપ ઊભો થયો અને પાદરીસાહેબની પછવાડે પછવાડે ચાલ્યો. બન્ને જણા એક ઝુંપડામાં ગયા.

ઝૂંપડામાં એક ગંધાતું બિછાનું હતું. તે ઉપર એક ખેડુતની ઓરતના છેલ્લા શ્વાસ ખેંચાઈ રહ્યા હતા. મરતી ઓરતનો ધણી એ પથારીની સામે ઘૂંટણભર બેસીને છેલ્લાં આંસુ સારતો હતો.

બહારવટિયાએ ટોપી ઉતારીને ધીરે ધીરે અંગુઠા પર પગલાં ભરી પથારી પાસે આસન લીધું. મરતી ઘરનારીને અને રડતા ખેડૂતને એણે કેટલીક વાર સુધી શાંતિનાં વચનો સંભળાવ્યાં. મીઠું આશ્વાસન આપ્યું. પછી એ ત્યાંથી નીકળી ગયો, બાર ઊભા રહીને એણે પાદરીના હાથમાં દોથો ભરીને બૅન્ક-નોટો મૂકી કહ્યું : “આ એની દફનક્રિયા માટે, એનાં રઝળી પડનારાં બચ્ચાં માટે, અને એની પાછળ મારા વતી દેવળમાં બંદગી મંડાવવા માટે.”

હોટેલમાં જઈને એણે સાથીઓને ચૂપ કર્યા અને આખી મંડળી ઘોડે ચડી જંગલમાં ચાલી ગઈ.

પોલીસ-અધિકારી વુલ્ફ કહે છે કે “હું એને મળ્યો. તે પછી એક વરસે, બરાબર ભળકડા બાદ બહારવટિયો લાવાગાળીવાળે ઘેર જતો હતો ત્યારે ખડકોની પછવાડે છુપાયેલી એક પોલીસ પાર્ટીએ એને પડકાર્યો, શરણે થવા કહ્યું, જવાબમાં બહારવટિયાએ પિસ્તોલ ચલાવી અને અર્ધચંદ્રાકારે ફરતા ભડાકા કર્યા પણ પોલીસની ગોળીઓની ‘વૉલી’ થઈ. તેમાં બહારવટિયો ઘોડેથી પટકાઈને રામશરણ થયો.”

એ થયું સરકારી નિવેદન.

બહારવટિયાના દોસ્તો બોલે છે કે કેટલાક દિવસોથી રાત ને દહાડો શિકાર ખેલીને થાકેલો બારવટિયો પડખેના એક ગામે પોતાના માંડવાની દ્રાક્ષો તથા આસવોના વેચાણ સારુ વાટાઘાટો કરવા જતો હતો. એક ભાઈબંધે એની સંગાથે ચોકી કરવા જવાની ખુશી બતાવી. સાથીઓ બધા થાકી લોથ થયેલા, એથી બહારવટિયાએ આ ભાઈબંધને એકને જ લઈ મુસાફરી માંડી. પોતે ઘોડા પર હતો. ભાઈબંધ પાળો હતો. બે માનીતા કુત્તા માર્ગમાં બહારવટિયાના ઘોડા ફરતા આંટા મારી રહેલા હતા.

બરાબર ભળકડા પહેલાં આ ભાઈબંધ જરીક પછવાડે રહી ગયો અને રોમાનેતીની પીઠ ઉપર ગોળી ચોડી, બહારવટિયાનું કલેજું ફાડી નાખ્યું.

રોમાનતી એ રીતે મૂઓ.

એનો દીકરો હજુ બાળક છે. બેટવાસીઓ કહે છે કે છોકરો જુવાન થશે એટલે ‘વેન્દેતા’ પરંપરા ચાલુ કરશે. અને ‘ભાઈબંધ’ને શોધી લેશે.

રોમાનેતી
463