પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મચી છે. જાણે નાઈઝી ગુસ્સાના ભડકા કાઢી રહી છે. સામે ટાઢોબોળ જવાબ અપાય છે. જવાબ દેનાર ઉમરાવ ટાર્નફીલ્ડની જ જબાન ! મારો માલિક ક્યારનો જંગલમાં છે, ને આ વિશ્વાસઘાતી હજુ આંહીં !

દગો છે ! માઇકલ, દગો છે ! એવી ! ચીસો પાડતો હું જંગલમાં દોડ્યો , પાંચ બોકાનીદાર ખૂનીઓ અને માઈકલની વચ્ચે રમખાણ મચ્યું હતું. હું પણ તૂટી પડ્યો, અમે બન્નેએ મળીને આખરે કેટલી મહેનતે પાંચેય જલ્લાદોને પૂરા કર્યા ! ચહેરો ખોલતાં જ પરખાયા : પાંચેય એ ઉમરાવના જ નોકરો.

મેં માઈકલને દગો સમજાવ્યો. અમે બેઉ ગઢમાં દોડ્યા, સીડી પર ધસ્યા, એ જ ઓરડાનું દ્વાર ધક્કો દઈ ખોલ્યું. અમીરની બંદૂકના ભડાકાએ આવકાર દીધો.

એક ખૂણામાં નાઈઝી ઊભી છે. એના કાળા લાંબા કેશ એને ઓઢણીની માફક ઢાંકી રહેલ છે. એનાં કપડાં શરીર પરથી ચિરાઈ ગયાં છે. એના કપાળ પરના જખ્મમાંથી લોહી વહે છે. એના હાથમાં છૂરી છે. ધણીની દગલબાજી ઉપર આ લોહીલોહાણ કજિયો જામેલો હતો.

અમીરની પહેલી ગોળી બારણામાંથી સૂસવતી ગઈ તે પછી માઈકલ ઓરડામાં પેઠો. અમીર બીજી વાર કરે તે પહેલાં તો નાઈઝીની છૂરી એના ગળામાં ઊતરી ગઈ હતી.

“નાઈઝી ! ઓ નાઈઝી !” માઇકલ ભુજાઓ પાથરીને કરગર્યો. “ચાલો, પોલીસ આવે તે પહેલાં નાસી છૂટીએ. આપણે પાંચ ને એક છ ખૂનો કર્યો છે. આપણે બહારવટિયા ઠર્યા. બે જ રસ્તા છે આપણે માટે : કાં ફાંસીનો, ને કાં પહાડોનો.”

પણ નાઈઝીએ એને ઠેલી દઈને તીણું હાસ્ય કરી કહ્યું : “દેખ માઈકલ, મેં તકદીર સાચું જોયેલું. દેખ ! લોહી ! હવે તો એની નીકો ચાલુ થઈ ગઈ. એ જ મારા મુકદ્દરનો માર્ગ છે, પણ એ માર્ગે હું તને નહિ ઘસડી જાઉં. એકલી હું જ જઈશ.”

એટલું બોલીને એ ભાગવા લાગી. પણ માઇકલ કહે, “મારે તારા વિનાનું જીવતર નથી જોતું. તારે જ રસ્તે મારી મુસાફરી છે. લોહી તો લોહી.”

નાઇઝી નથી થોભતી. એ જાય છે. દોડીને માઈકલે એના માથા પર પોતાનો ઝભ્ભો નાખી દીધો. એને ઉઠાવી, જકડી, અમારા ઘોડા પર નાખી, અમે ઊપડ્યા. પોતાના ઘોડા પર નાઇઝીને નાખીને માઇકલે મને કહ્યું : “જોસેફ, દોડ જલદી કામરૂઓના ગામડામાં. નાઇઝીના કાકાને લઈને પહાડોમાં આવજે. ઝર્ની ઘાટ પાસે અમે વાટ જોશું. કહેજે એને, કે ઝીંગારીઓ અમારા વિવાહમાં ભેળા થાય. જલદી, જોસફ.”

હું ગામડે ગયો ત્યાં તો બુઢ્ઢો ઝીંગાની ગાડાં, ગધેડાં ને ઘોડાં લાદીને તૈયાર ઊભો હતો. એણે કહ્યું કે, “ભાઈ, ગેબી ગોળાએ મને તમામ ખબર દીધા છે. જેવાં તકદીર ! ચાલો.”

[4]

અમે સૌએ કાર્પેથિયન પહાડની અભેદ્ય કિલ્લેબંદીમાં વાસ લીધો. ચોપાસ અખંડ શિખરમાળા હતી, તેનેય ફરતી અખંડ પાતળી ખાઈ હતી. એક જ ઠેકાણે સાંકડો રસ્તો

470
બહારવટિયા-કથાઓ