પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

1

કુમારી કારમન

પ્રાણ નિચોવીને જેના ઉપર પ્રીતિનું પ્રત્યેક ટીપું ટપકાવી નાખ્યું હોય, ઇતબાર રાખીને જેના ખોળામાં મીઠું ઓશીકું કર્યું હોય, વિશ્વાસની ઘેરી નીંદમાં જેની સાથેના ભાવિ સંસારનાં કનકમય સ્વપ્ન માણ્યાં હોય, જેની જીવતી પ્રતિમા કરતાં પ્રભુને પણ ઊતરતો ગણ્યો હોય, એ જ જીવનસર્વસ્વને, એ જ સુખસોણલાની મૂર્તિને જ્યારે ભાંગીને ભુક્કો થઈ જતી જોઈએ, કલ્પનાના એ જ કોટકાંગરાના ચૂરેચૂરા થઈ તેની મિટ્ટીમાંથી વિશ્વાસઘાત અને દગલબાજીની દુર્ગંધો ઊઠી શ્વાસોચ્છ્‌વાસ ગૂંગળાવી નાખતી અનુભવીએ, જ્યારે કોઈ ઓચિંતા રહસ્યછેદનની એક જ પલમાં આપણા પગ નીચેની પ્રશાન્ત ધરતીને ભૂકમ્પના કડાકા સાથે સહસ્ત્રધા ચિરાઈ જતી ભાળીએ, ને એ ધરતીના પેટાળમાં એકલવાયા, નિરાધાર અને નગ્ન શરીરે આપણે ઊભા હોઈએ તેવું લાગે – ત્યારે, તે ઘડીએ કાં તો માનવી વિધાતાના એ વજ્રપ્રહારની નીચે ચમકી, હેબતાઈ, વાંકા વળી, એ ફાટેલી પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે – ઘણાખરાની તો એ જ ગતિ થાય છે – અથવા તો માનવીના આત્માની અંદરથી વિરાટ જાગી ઊઠે છે, એનું મસ્તક ટટ્ટાર બને છે, એના હાથ ઊંચકાય છે, એ સામો ઘા ઝીંકે છે, ને એ એક જ ઘાની અંદર માનવી પોતાના જીવનનો, વિચારનો, વિવેકનો અને જન્મ-સુખનો સરવાળો થતો અનુભવે છે, એ એક જ આઘાતમાં માનવી સો વર્ષનું આયુષ્ય જીવી કાઢે છે – ભલે પછી એ ઘા કેવળ વૈરની વસૂલાતનો હોય.

આવાં જ કો અગ્નિમય રજકણોની ઘડેલી હતી કુમારી કારમન : સાધ્વી-મઠનાં નારંગી ફળોની ફોરમો વાતી ફૂલવાડીઓમાં ઊછરેલી એ મધુર મૂર્તિ, એ વિશ્વાસુ અને ભોળી કુમારિકા હતી. પ્રભુ પર અને પ્રભુપ્રતિમા સમાં માનવીઓ પર એ બાલિકાનો વિશ્વાસ પરિપૂર્ણ અને નિરંજન હતો. અને એના અંતઃકરણે પાપનો સૂર સરખોયે કદી સાંભળ્યો નહોતો. મઠની શ્યામવસ્ત્રી અને શાંતિપ્રેમી સાધ્વીઓએ એને શીખવ્યું હતું કે જગત તેમ જ જગતને વિશે રહેલી કિરતારની સરજેલી તમામ કૃતિઓ સંપૂર્ણ છે, એ જ દૃષ્ટિએ તું એને જોતી રહેજે, બેટા ! મઠની ચાર દીવાલો વચ્ચે, એ ધર્મશીલ અને પ્રભુમય જીવનપ્રવાહની ઉજમાળી નાની દુનિયા વચ્ચે, દુર્જનતાનો ઓછાયોય કુમારી કારમને કદી દીઠો નહોતો.

બાપુ મરી ગયા તે વેળા આ કન્યાએ આવું મહેકતું અંતઃકરણ લઈને એક દિવસે દુનિયામાં પ્રવેશ કર્યો, અને પાટનગરમાં પોતાના મોટેરા ભાઈની જોડે સંસારયાત્રા શરૂ કરી દીધી. બાપુના જબ્બર વગવસીલાવાળી ત્યાંની બૅન્કમાં મોટા ભાઈ ડિરેક્ટર છે. પિતાની પ્રતિષ્ઠા અને મોહબ્બતોની માતબર લાગવગનો લાભ મોટા ભાઈને સાંપડેલો છે. મરતાં મરતાં પિતાની આખરી ઇચ્છા એ જ હતી કે ભાઈ, બહેનને હવે આશ્રમમાંથી તેડાવી લઈને

કુમારી કારમન
417