પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હાસ્ય વેરતા એ બે હોઠના ખૂણાઓમાં, કોઈ શાંત વહેતા નદી-પ્રવાહની અંદર છુપાયેલા વમળની જેવી એક ગૂંથ પડી રહેતી, તે ગૂંથ, તે ભમરી, તે વમળ ભોળી કારમનની નિર્દોષ નજરમાં ક્યાંથી આવી શકે ?

એક દિવસ આવીને એ આશકે લૉરેન્ઝોની કને એની બહેન સાથેના મિલનની મંજૂરી માગી. ભાઈએ બહેનને એના આ આશક તરફના મનોભાવની પૂછપરછ કરી, બહેનના બેવડ ગાલો ઉપર સ્નેહનાં ગુલાબો સમી ચૂમકીઓ ઊપડી આવી; ને પછી ભાઈએ બન્નેને પરસ્પર મળવાની છૂટ આપી, તે દિવસથી મેન્યુઅલ એ ઘરનો નિત્યનો યાત્રાળુ બન્યો. સ્પેઈન દેશની લગ્નરીતિ અનુસાર જોકે વેવિશાળ થયા પહેલાં કોઈ આશક પોતાની માશૂક સાથે એકાન્તે ન જ મળી શકે, છતાં અહીં તો ભાઈની દિવસભરની ગેરહાજરીમાં ડૉન મેન્યુઅલ વારંવાર મુલાકાતો કરતો થઈ ગયો, કેમ કે કારમનના મનની ગતિ આ પુરુષ સાથે જળ-મીન જેવી થઈ ગઈ હતી. પ્રેમાંધ બાળા પોતાના આ ભાવિ પતિ વિના જીવી શકતી નહોતી.

હવે તો ડૉન મેન્યુઅલ ટૂંકમાં પોતાનો કુટુંબીજન બનવાનો છે. અને તે ઉપરાંત બીજી બાજુથી બહેને પોતાના પિયુની ખાતર ભાઈના પગ માથાના વાળે લૂછવા માંડ્યા છે : એટલે લૉરેન્ઝોએ કબૂલ કર્યું કે ભલે નાણાં ધીરીએ : પણ તે પહેલાં એક વાર એ રૂપા-ખાણ આપણે નજરે જોઈ આવીએ.

ભાઈ, બહેન અને ભવિષ્યનો ભરથાર : ત્રણ જણાં ઘોડે ચડીને ચાલ્યાં. આશક-માશૂક બન્ને અચ્છાં ઘોડેસવાર હતાં અને ભાઈ તો રહ્યો ઑફિસનો કીડો, ખેલાડી તરીકે શરીર કસેલું નહિ : પરિણામે બન્ને ઘોડેસવારો ઘોડલાંને થનગનાવતાં રમાડતાં આગળ નીકળી જતાં ને વગડાની નિર્જન એકાન્તે પ્રેમની ઘેલછા માણતાં હતાં. ઉઘાડા આકાશની નીચે રાત્રિના પડાવ થતા ત્યારે મૂંગા તારલાઓએ અને ચંદ્રઘેલી રાત્રિએ પણ આ બન્નેને કો અપૂર્વ ઘેલછાની મદકટોરીઓ પાયા કરી હતી.

પહાડોની મેખલામાં ખાણ દીઠી. એ કોઈ જૂની ખાણ હતી. ડૉન મેન્યુઅલે સમજાવ્યું કે આ પુરાતન ખાણને મેં નવેસર શોધી કાઢી છે.

માટી તપાસી ધરતીના થરોમાં ધાતુના સળ જોવામાં આવ્યા. બહેનના ભાઈને ઇતબાર બેઠો કે ચાર-છ મહિનામાં તો અહીંથી રૂપાની રેલગાડીઓ ભરાઈને દોડશે. નગરમાં પહોંચીને લૉરેન્ઝોએ બૅન્કમાંથી રકમ ધીરવાનો નિરધાર કર્યો.

પણ દસ્તાવેજ કરવા, સહીસિક્કા કરાવવા, અદાલતની વિધિઓ પતાવવી એ બધામાં તો કેટલો વિલંબ થઈ જશે ! ને ખાણ પર સંચા મગાવીને મુકાવવા, કારીગરો રાખવા, માટી ખોદાવીને ભઠ્ઠીઓ પર ઓગાળવા માંડ્યું - એ બધામાં પણ કેટલો કાળ વીતશે ! બહેન પોતાના ભાઈને વીનવવા લાગી. બહેનને જલદી જલદી પરણીને લક્ષ્મીથી છલકતા ઘરની ધણિયાણી થવું હતું. ભાઈએ બહેનની વિનવણીને વશ થઈ પોતાની અંગત જવાબદારી પર નાણાં ધિરાવી નાખ્યાં.

આજે આ સંચાની જરૂર, આજે આટલા કારીગરો વધુ બોલાવવા છે; આજે તો અમુક કામમાં આટલી વિશેષ રકમની જરૂર પડી છે : એ રીતે પિયુજીએ આ પ્રેમઘેલુડી બહેનની મારફત ભોળા ભાઈને ઊંડા ને ઊંડા કૂવામાં ઉતારવા માંડ્યો. બહેનનો ભાઈ મોંમાગી રકમો ધીરતો જ ગયો.

કુમારી કારમન
410