પૃષ્ઠ:Darshanika.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૮ મહાવ્યથા અનુભવી રહ્યો છું, અને આ કાવ્ય તેના પૂર્ણ સ્વરૂપમાં પ્રકટ થયેલું આ સ્થૂળ આંખે હું જોઈ શકીશ કે નહિ, તે ભાવિનું નિર્માણ છે, પણ આ મારી કૃતિ છેલ્લી જ હોય તો પણ તેને મારી પ્રિય ગુજરદેવીના ચરણમાં મૂકતાં મને આનંદ થાય છે. ગુર્જરીની સેવા જન્મભર મેં યથાશક્તિ કીધી છે, અને મારે છેલ્લો શ્વાસ જતાં પણ તેના જ ચરણમાં મારું જીવનભરનું તત્ત્વદર્શન મૂકી જાઉં, એથી વધુ અભિલાષસિદ્ધિ મારા આત્માને બીજી શી હોય ? રાજ્યકારણમાં ગુજરાત આજે જગતભરમાં મોખરે છે, તેમ કાવ્યસાહિત્યમાં પણ તે જલદી મોખરે આવો, એ જ મારી અભિલાષા ને આશિષ છે. અસ્તુ ! મદ્રાસ તા. ૬ ઠી સપ્ટેમ્બર ૧૯૩૧ અરદેશર ફરામજી ખબરદાર