પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

પાછળ તેમનો અધિકાર મળે છે – વારસો મળે છે. એ આજ્ઞાપાલનની પાછળ બાપનો વારસો મળવાનો છે એ વાત રહેલી છે, જોકે એ વારસાની આશા રાખીને આજ્ઞાપાલન કરૂં તો તો હું મરી પડું, એટલે એ આશા રાખ્યા વિના આજ્ઞાનું પાલન કરવું એમ પણ શાસ્ત્ર જ શીખવે છે. એવું કફોડું આપણું શાસ્ત્ર છે. હકની આશા ન રાખનાર હક મેળવે છે, અને હકની વાત કરનાર પડે છે એ ન્યાય છે. અને એ જ ન્યાય હું તમારી આગળ મૂકું છું. એ ન્યાયનું તમે પાલન કરશો તો કાઠિયાવાડના સ્વરાજની એક વિનયી સેના તમે ઉત્પન્ન કરી છે એમ માનજો. આ વર્ષોમાં એવા વિનયી કાર્યકર્તાઓની સેના તમે તૈયાર કરો એટલે પછી કોઈ રાજા તમારો તિરસ્કાર નહિ કરી શકે. અત્યારે તમને શંકા લાગે છે કે તમને કોઈ રાજા પોતાના રાજ્યમાં પરિષદ ભરવા દેશે કે નહિ. સોરઠવાળાએ પરિષદને આમંત્રણ દીધું, તે ડરતાં ડરતાં આપ્યું કે રખેને અમુક ઠેકાણે ભરવાનો વિચાર કરીશું અને રાજા ના પાડશે તો ? એટલે તમે તમારું વાતાવરણ એટલું સ્વચ્છ કરો, તમારું ચારિત્રબળ એટલું વધારો કે તમને કોઈ રાજા ના પાડી ન શકે. તમે મારી સલાહનો એવો અર્થ ન કરશો કે તમારે કાંઈ અઘટિત કરવાનું છે, તમારા માનને હાનિ પહોંચે એવું કાંઈ કરવાનું છે. ભારેમાં ભારે કામ કરતાં તમારા આગ્રહને ન છોડજો, સત્યને ન છોડજો, તેમજ વિનય અને મૃદુતાને ન છોડજો. હું પોતે અખબારનવીસ છું — અને તોયે પુરાણો વર્તમાનપત્રકાર. ૧૯૦૪ થી એ કામ હું કરતો આવ્યો છું, અને મને એ કામ સારી રીતે આવડે છે એમ માનું છું કારણ સો વસ્તુ લખવાનો ઇરાદો થાય ત્યારે એક વસ્તુ લખું