પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
કાઠિયાવાડીઓને

એનો જવાબ આપતાં કંપારી નહિ છૂટે; પણ તે જકાતમાંથી કેટલું મહેસૂલ પેદા થાય છે એ જાણીએ છીએ ત્યારે આપણે કમકમી ઊઠીએ છીએ. આવી જાવક ‘સંપીના ઘા’ જેવી હોય છે. જનસમાજ ઉપર તેની સામટી અસર પડે છે. તેમાંથી પ્રત્યેક માણસ ઉપરની અસર માલૂમ પડી રહે છે.

આવું જ રેંટિયાનું છે. ધારો કે પ્રત્યેક જણના ઘરમાં રોજના અરધા આના લેખે વરસે દહાડે આશરે બાર રૂપિયા દાખલ થાય તો ધારો કે પાંચ મનુષ્ય દીઠ એક ઘર આવતું હોય, તો ૨૬૦૦૦૦૦÷૫=૫૨૦૦૦૦×૧૨=૬૨૪૦૦૦૦ રૂપિયા કાઠિયાવાડમાં રહી જાય. અથવા બીજી રીતે ગણો. છવ્વીસ લાખની વસ્તીમાં જો જણ દીઠ સરેરાશ પાંચ રૂપિયાનું કાપડ લેવાતું હોય તો એક કરોડ ત્રીસ લાખનું કાપડ કાઠિયાવાડમાં વપરાય છે એમ ગણાય. આમાંથી ત્રીજો ભાગ રૂનો બાદ કરીએ તો કાઠિયાવાડ નેવું લાખ રૂપિયા બચાવે.

ધારો કે કાઠિયાવાડની પ્રજાને મુંબઈ સરકારને નેવું લાખની વિઘોટી દર વર્ષે આપવી પડતી હોય ને તેટલી વિઘોટી માફ થઈ જાય, તો પ્રજામાં કેટલું ચેતન આવી જાય ! આપણે વ્યક્તિગત હિસાબ કરતા થઈ જઈએ તો આપણને અદૃશ્ય રીતે થતા નફા નુકસાનની ખબર પડી રહે. કાઠિયાવાડની પાસે હું પ્રજાગત હિસાબની આશા રાખું છું. આજે કાઠિયાવાડ એમ હિસાબ ગણતું થઈ જાય તો કાલે આખું હિંદુસ્તાન એમ કરશે. ‘મને શો લાભ ?’ એમ ગણવા બેસીએ તો જવાબ ખોટો ને વિનાશકારક આવે. ‘પ્રજાને શો લાભ ?’ એમ જ હિસાબ ગણવાની ટેવ પડશે ત્યારે પ્રજાલાભનાં કાર્યો થશે. સહુ પોતપોતાનો વ્યક્તિગત લાભ શોધે તેમાં સહુનો