પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

નાશ છે. સહુ સૌનો એટલે એકત્રિત લાભ શોધે તો પ્રત્યેક વ્યક્તિને તેમજ પ્રજાસમસ્તને લાભ થાય.

આ સરણીથી જો કાઠિયાવાડીઓ વિચાર કરે તો રેંટિયાનો ચમત્કાર તુરત સમજી જાય. અને આ જ દૃષ્ટિએ એક માસમાં થયેલા કાર્યોના હિસાબની હું તેમની તરફથી આશા રાખીશ. પ્રતિજ્ઞા કરનારાઓએ દરરોજ સૂતર કાંત્યું છે ? જે કાંતી નહોતા જાણતા તેઓએ કાંતતાં શીખી લીધું છે ? જે રૂની ભિક્ષા માગવામાં આવી તે એકઠું થયું છે ? જો એકઠું થયું હોય તો તેની વ્યવસ્થાનો વિચાર થઈ ગયો છે ? આમ અનેક પ્રકારના હિસાબો કાર્યવાહક સમિતિએ ને બધા કામદારોએ આપવાના રહ્યા છે.

રાજકાટ પાસે પણ એ જ ધોરણે હું થયેલા કામની આશા રાખીશ. રાજકોટમાં મને માન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. મને માન શું ? પણ તે માન આપવું જ ઘટે, તો મારી પાસે સૂતરના ઢગલા કરીને દરેક જણ ખાદીથી સુશોભિત થઈ તેવું માન આપી શકે છે. શબ્દાડંબરથી મારા આત્માની તૃપ્તિ થાય તેમ નથી. કેવળ ખાદી ને રેંટિયા પ્રચારની આશાએ, હરિજનોની સેવા અર્થે ને રાજાપ્રજાની સેવા અર્થે કાઠિયાવાડમાં મારો આ બીજો પ્રવેશ થવાનો છે.

રાજકોટમાં મારે રાષ્ટ્રીય શાળા ખોલવાની છે. એ શાળામાં શુદ્ધ સેવકો કામ કરી રહ્યા છે એવી મારી માન્યતા છે. એ શાળાની પાછળ ગુજરાત પ્રાંતિક સમિતિએ ઠીક દ્રવ્ય આપ્યું છે. નામદાર ઠાકોર સાહેબે સસ્તે ભાવે જમીન આપી છે. આ શાળામાં રાજકોટના શહેરીઓ રસ લેતા થાઓ એમ ઇચ્છું છું. તેઓ તે શાળા તપાસે, તેમાં ભૂલો થતી હોય તો