પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
રડીને રાજ્ય લેવું છે

સાફ કરનાર. પણ હું તો આજે જ ભંગી છું. બાળક મેલું કરે તો તેને હું સાફ કરી નાખું. મારી માતા પણ ભંગી હતી અને તેના હાથ અમારાં મેલાં સાફ્ કરીકરીને ઘસાઈ ગયેલા. તમારી માતા પણ સીતા જેવી સતી હશે, પતિત્રતા હશે, તો તેણે પણ બાળકોનાં મેલાં સાફ કર્યાં હશે, એટલે ભંગીનું કામ કર્યું હશે. સતી સીતા પ્રાતઃસ્મરણીય હતાં, પણ તેમણે પણ બહુ મેલાં ઉઠાવેલાં હતાં, તેથી તે પણ ભંગી બન્યાં હતાં. એ માતાઓનો જેમ ત્યાગ ન થાય તેમ ભંગીનો પણ કેમ ત્યાગ થઈ શકે ? એટલે હિંદુ ધર્મ શાસ્ત્રમાં અસ્પૃશ્યતા જેવી વસ્તુ અખંડિત હોય તો હું હિન્દુ કહેવડાવવાને મગરૂર ન થાઉં. શાસ્ત્રીઓને પણ ઉદ્ધત થઈ ને કહીશ કે હિન્દુધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, અને કહ્યે જ જવાનો કે નથી.

કાર્યક્રમ જોતાં કાર્યનો આરંભ પહેલાં શાસ્ત્રીઓ મને આશીર્વચન આપશે એમ મેં જોયું ત્યારે હું ખુશ પણ થયો અને મને ખેદ પણ થયો. ખુશ એથી થયો કે મારા અસ્પૃશ્યતાનિવારણના કાર્યને માટે પણ મને શાસ્ત્રીઓ તરફથી આશીર્વાદ મળશે. ખેદ એ માટે થયો કે રાજાની છાયા નીચે ઊભા રહી શાસ્ત્રીઓ ગમે તે વચનો કાઢે તેની કિંમત શી? મને ઘણાએ કહેલું કે કાઠિયાવાડને ટીંબે કાંઈ નહિ તો એક રાજા એવો છે કે જે વંદનીય છે. ઠાકોર સાહેબ પ્રજાજનનું હિત ચાહનારા છે એ સૌ જાણે છે, પણ ભૂલ તો પ્રાણીમાત્રની થાય. અને મને ઠાકોર સાહેબની ભૂલ જણાય તો, રાજકોટની પ્રજા હોઈ પ્રજાનો અધિકાર ભોગવીને, ઠાકોર સાહેબને હું કહું કે, તમારી ભૂલ થાય છે. હું રાજ્યના મારા કાળના શાસ્ત્રીઓને હજી જાણું છું. એમાંના એક માવજી જોશી હતા. તેઓ શાસ્ત્રી અને