પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
રડીને રાજ્ય લેવું છે

મારા ગળા ઉપર ચલાવજો. હું ખોટી ખુશામત કરું તો અધમ કરું. આ દરબારગઢનું મેં લૂણ ખાધેલું છે. માજી ઠાકોર સાહેબે મારા પિતાને ૪૦૦ વાર જમીન કશી કિંમત કે શરત કે ભાડા વિના એનાયત કરેલી. ૪,૦૦૦ વાર આપવા માંડેલી પણ મારા પિતાએ ના પાડેલી, અને ૪૦૦ માગી લીધેલી. એ લૂણ ખાધેલું તે માટે હું તમને કંઈ આજે ન કહું તો બેવફા થાઉં. આખી પૃથ્વી મને માન આપે તોપણ હું ન છલકાઉં. તમારું માન મને બહુ ભાવે છે. કારણ હું રાજકોટમાં જ ઊછરેલો, અનેક છોકરાંઓ સાથે રમેલો, અસંખ્ય સ્ત્રીઓએ મને રમાડેલો અને આશીર્વાદ આપેલા. પણ અસંખ્ય સ્ત્રીઓ મને આશીર્વાદ આપે અને મારી મા ન આપે તો તે કેમ રુચે? મને દૂધને બદલે દારૂ મળે, શેરડી માગું અને સિગારેટ મળે તો તે કેમ કામ આવે? હું તો સ્ત્રીઓ, ગરીબો અને હરિજનોનાં દુઃખનું નિવારણ માગું હરિજનોની સાથે હું હરિજન થયો છું. સ્ત્રીઓને કહું છું કે તમારે માટે હું સ્ત્રી થયો છું, તમારી પવિત્રતાની રક્ષાને માટે પૃથ્વી ઉપર પર્યટન કરી રહ્યો છું. હું અહીં કંગાલ તરીકે આવેલો છું; પૃથ્વીમાં મને મળેલા માનને બળે નથી આવેલો; પ્રજાજન તરીકે આવેલો છું. મને તમે ખબર આપો કે રાજમાં કેટલા રેંટિયા દાખલ થયા, કેટલી ખાદી દાખલ થઈ, તો હું રાજી થઈશ. મને ખબર આપો કે રાણી સાહેબ પણ ખાદી પહેરે છે, આખા રાજ્યમાં, દરબારના ખૂણેખૂણામાં ખાદી દાખલ થઈ છે, તો હું ઉઘાડે પગે આવીને તમને પ્રણામ કરીશ. તમારું ભલું થાઓ અને પ્રજાનું કલ્યાણ કરવાને ઈશ્વર તમને સમર્થ બનાવો.

નવજીવન, ૨૨–૨–૧૯૨૫