પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
જન્મભૂમિદર્શન

તે મારે માટે પૂરતા ન ગણાય. આમ હું કહું છું, કારણ તમારી પાસેથી હું જેટલું લઉં તેનું દામદૂપટ અથવા તેથી પણ વધારે તમને મારી પાસેથી મળી રહેશે એવી હું ખાતરી આપી શકું છું. કારણ મારી પાસે એક પૈસો એવો નથી આવતો કે જેમાંથી પૈસાનાં ઝાડ ન ઊગતાં હોય — વ્યાજથી નહિ, પણ તેના ઉપયોગથી; વ્યાજ લઈને નભવા કરતાં તો મરણ વધારે સારું — પણ એક પૈસામાંથી જેટલો રસ લૂંટાવાય તેટલો હું લૂંટાવું. તેનો ઉપયોગ હિંદુસ્તાનની પવિત્રતાની રક્ષા કરવા, હિંદુસ્તાનનાં નાગાંને ઢાંકવા માટે જ થશે. પાઈએ પાઈનો હિસાબ રહેશે. મને આજ સુધી એક માણસ એવો નથી મળ્યો કે જેને હું કહું કે તમે મને બહુ આપ્યું. મારા મેમણ મિત્રો એથી જ મારાથી ભાગે છે, નહિં તો ઉમર હાજી આમદ ઝવેરી જેવા તો અહીં હોય જ. તે કહે છે કે તું તો હવે સામો મળે તો લૂંટવાની જ વાત કરે છે! આમ આજના કઠણ કાળમાં મારી સાથે મિત્રાઈ રાખવી ભયંકર છે. આજના કઠણ સમયમાં જે ભાઈ હિંદુ હોઈ પોતાના પૈસા ભંગી પાસે લૂંટાવવા તૈયાર હોય, જે ભાઈ દેશને સ્વાતંત્ર્ય અપાવવાને માટે પોતાની બધી શક્તિ અથવા પોતાનું બધું ધન ખર્ચી નાંખવા તૈયાર હોય, તે જ મારી મિત્રાચારી રાખી શકશે. રાજકોટના ઠાકોર સાહેબે મારા ઉપર પ્રેમના ધોધ છોડ્યો હતો, તેમાં હું ડૂબું ડૂબું થઈ રહ્યો હતો, પણ હું થરથરી રહ્યો હતો કે, ‘અરે જીવ ! આ રાજાની મિત્રતા તું ક્યાં સુધી રાખી શકશે ?’ મારા પિતા જે રાજ્યના દીવાન હતા તે રાજ્યના રાજાને હાથે મને માનપત્ર લેવાનું કેમ ન ગમે ? આજના મહારાણા સાહેબના પિતામહના રાજમાં મારા પિતામહ