પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

દીવાન હતા, તેમનાયે પિતાના રાજમાં મારા પ્રપિતામહ દીવાન હતા. રાણા સાહેબના પિતાશ્રી મારા મિત્ર હતા, મારા અસીલ હતા. મેં તેમનું ખાધુંપીધું છે — એટલે મહારાણા સાહેબનું આમંત્રણ પણ મને કેમ ન પસંદ પડે ? પણ બધી મિત્રાચારી જાળવવી મુશ્કેલ છે, જેમ અંગ્રેજની હું નથી સાચવી શક્યો. કારણ જગતમાં એક જ મિત્રાઈ સાચવવાની મને જરૂરની લાગે છે. તે મિત્રાઈ ઈશ્વરની. ઈશ્વર એટલે અંતરાત્મા, એના ભણકારા વાગે અને મને લાગે કે જગતની મિત્રતા છોડવી જોઈએ, તો તે છોડવાને તૈયાર છું. તમારી મિત્રતાનો હું ભૂખ્યો છું, અને તમારા બધા પૈસા લઈ જાઉં છતાં હું ધરાઉં નહિ. તમારી પાસે હું માગ્યે જ જઈશ, અને તમે મારો દેશનિકાલ કરશો તો ઈશ્વરના ઘરમાં મારી જગા લઈશ. મારું અટક હિંદુસ્તાન છે. હિંદુસ્તાનમાં જ્યાંસુધી દુઃખના દાવાનળ સળગે છે ત્યાંસુધી હિંદુસ્તાન છોડી ક્યાંયે જવું મને નહિ ગમે. દક્ષિણ આફ્રિકા મને સંઘરે એમ છે, પણ આજે મને ત્યાં જવું પણ ન ગમે, કારણ અહીંના અગ્નિ બુઝાવાય ત્યારે જ ત્યાંના બુઝાવાય એમ છે. એ અગ્નિ બુઝાવવામાં મદદ કરવાની બધા રાજાઓને વિનંતિ કરી રહ્યો છું તેમાં પોરબંદર પાસે વધારેમાં વધારે આશા રાખું તો શું ખોટું?

પ્રજા પાસે પણ એની જ આશા રાખી બેઠો છું. હું તમારા સહુનો સહકાર માગું છું. એને પરિણામે કદાચ અંગ્રેજ સાથે પણ આપણે સહકાર કરતા થઈ જઈએ. એટલે એમ નહિ કે આપણે અંગ્રેજોની પાસે દોડી જઈએ. તે જ દોડતા આવશે. તેઓ મને કહે છે કે તું ભલો છે, પણ તારા સાથી બદમાશ છે, તને ચૌરીચૌરા દગો દેશે. પણ હું તો