પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
જન્મભૂમિદર્શન

બનવું, લાકડીનો ત્યાગ કરવો એમ નહિ, પણ લાકડી હોવા છતાં લાકડી ન વાપરવી. લાકડી વાપરનાર કરતાં જે લાકડી ન વાપરી છાતી કાઢીને દુશ્મનની સામે ઊભો રહે તે જ વધારે બળવાન છે. પોતાનું સ્થાન ન તજવું, પીઠ ન બતાવવી એ પહેલવાનનો મંત્ર, ક્ષત્રીવટનું રહસ્ય છે, અને એ ગુણ મેળવવાને માટે માદક પદાર્થના ત્યાગની જરૂર છે. એટલે પોરબંદરની પ્રજા દારૂનો સદંતર ત્યાગ કરે એમ ઇચ્છું. રાજકોટમાં દારૂની બદી બહુ ફેલાઈ રહી છે. સિવિલ સ્ટેશનના દુકાનવાળા સાથે હરીફાઈ ચાલે છે એટલે દારૂ ત્યાં સોડાને દામે વેચાય છે. પણ જેમને એ દારૂ એટલો સોંઘો મળે છે, તેઓ લોહીનાં આંસુ પાડી રહ્યા છે. મજૂરોની સ્ત્રીઓ મને કહે છે કે, ‘તમે ઠાકોર સાહેબને ન કહો? અમારા ઘરમાં આ બદીએ સત્યાનાશ વાળ્યું છે, અમારાં ઘરમાં જાદવી દાખલ થઈ છે, અમારા પતિઓ વ્યભિચારી થયા છે, અમારાં ઘરમાં દળદર વ્યાપી રહ્યું છે.’ આ ગરીબડી સ્ત્રીઓના આશીર્વાદ લેવા હોય તો આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે, અને રાજાને કહેવું પડશે કે આ ત્રાસથી રૈયતને બચાવો. એમાંથી કમાણી થતી હોય તોપણ શું ? એમાંથી ક્ષણિક આનંદ થતો હોય તોપણ શું ? એ બદી ફેલાશે તો દેશની એવી બિહામણી સ્થિતિ થશે કે એનો આપોઆપ નાશ થઈ રહેશે. કોઈને નાશ કરવાનો પ્રયત્ન કરવાની જરૂર પણ નહિ રહે. ઈશ્વર તમારું કલ્યાણ કરો. મારું દીન વચન સાંભળવાની અને સમજવાની ઈશ્વર તમને શક્તિ આપો, ને એથી આખા જગતનું પણ કલ્યાણ થાઓ.

નવજીવન, ૧–૩–૧૯૨૫