પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

વધારે જોવામાં આવ્યું. મારી ખાતરી છે કે જ્યાંલગી રાજા પોતાના ખર્ચની ઉપર અંકુશ ન મૂકે ત્યાંસુધી તે તેનું રક્ષકપણું સિદ્ધ નથી કરતો. રાજા પ્રજાની મહેનતની કમાણીમાંથી ભાગ લે છે તે તેના બદલામાં તે પોતાની નોકરી આપે છે. જેની નોકરી વિના ન જ ચલાવી શકાય તે સરદાર બને છે. પણ તે જ્યાંલગી વફાદાર રહે ત્યાંલગી જ સાચો સરદાર રહે છે. રાજાની વફાદારીમાં બે ગુણ હોવા જોઈએ. એક તો પ્રજાની સુખાકારી, સ્વતંત્રતા ને નીતિનું રક્ષણ કરવું; ને બીજો પ્રજાની પાસેથી મળેલા દ્રવ્યનો સદુપયોગ કરવો. જો રાજા પોતાને સારુ અણછાજતું ખર્ચ કરે તો તે દ્રવ્યનો સદુપયોગ નથી કરતો. પ્રજાજન કરતાં તે અમુક પ્રમાણમાં જરૂર વધારે ખર્ચો કરે, વધારે મોજશોખ કરવા હોય તે કરે, પણ તેની મર્યાદા તો હોવી જ જોઈએ. પ્રજાજાગૃતિના આ યુગમાં મર્યાદાની પૂરી આવશ્યકતા છે એ હું તે તટસ્થ રહેલો સંપૂર્ણતાએ જોઈ રહ્યો છું. એક પણ સંસ્થા જે પોતાનું લોકોપયોગીપણું સિદ્ધ ન કરી શકે તે લાંબો કાળ નહિ જ નભી શકે. કાઠિયાવાડનાં ચાર રાજ્યનું નિરીક્ષણ જેટલું એક અઠવાડિયામાં થઈ શકે તેટલું કરતાં કાઠિયાવાડ રાજકીય પરિષદ આગળના મારા રાજ્યતંત્રના બચાવને ટેકો મળ્યો છે, પણ તેની જ સાથે હું તે તંત્રની નબળાઈઓ પણ જોઈ શક્યો છું. રાજાઓના શુભેચ્છક તરીકે હું નમ્રતાપૂર્વક કહેવા ઇચ્છું છું કે, મેં ઉપર જણાવ્યું છે તે વ્યવસ્થા જો તેઓ સ્વેચ્છાએ દાખલ કરશે તો તેઓ વધારે લાકપ્રિય થશે એટલું જ નહિ, પણ પોતાનું રાજાપણું વધારે શોભાવશે. એ સત્તાધીશ સાચે કે જે પોતાની સત્તાની મર્યાદા પોતાની મેળે જ આંકે