પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

શક્તિનું માપ આવશે. જો અધ્યાપકો વિવેકથી, શાંતિથી, મર્યાદાપૂર્વક ને તિતિક્ષાથી પોતાનું કાર્ય ચલાવશે, તો હરિજનને સંઘરતા છતાં લોકોનો વિરોધ નહિ વહોરે ને શાળામાં ઈતર વર્ણનાં બાળકો આવશે જ. શાળાનું રાષ્ટ્રીયપણું અધ્યાપકોના ચારિત્રબળમાં રહેલું છે, તેઓના દેશપ્રેમમાં રહેલું છે, તેઓની ત્યાગવૃત્તિમાં રહેલું છે, તેઓની દૃઢતામાં રહેલું છે. બન્નેનાં મકાનોનો મને મીઠો દ્વેષ છે. એ મકાનોમાં તપસ્વી અધ્યાપકો વસે તો તો તે ભલે થયાં, નહિ તો તે આપણને અધોગતિએ પહોંચાડનારાં નીવડવાનો સાંભવ છે. બ્રહ્મદેશમાં એક કાળ એવો હતો કે ગામેગામ સુંદર મકાનોમાં, સુંદર નિશાળોમાં ત્યાંના સાધુઓ ઉદ્યમપૂર્વક શીખવતા. હવે મકાનો તે જ છે. પણ જ્યારે મેં તે નિશાળોની મુલાકાત લીધી ત્યારે મે ત્યાં ઊંઘતા આળસુ સાધુઓને જોયા હતા. નિશાળનું નામ માત્ર હતું. તેના પ્રાણ ઊડી ગયા હતા. હરિજનને લેવા એ જેમ રાષ્ટ્રીય શાળાનું આવશ્યક અંગ છે તેમ જ રેંટિયો છે. એ ચક્રની નિયમિત ગતિ ઉપર ભારતવર્ષના ચક્રની ગતિ નિર્ભર છે. એ ચક્રનો સંપૂર્ણ વિકાસ તો રાષ્ટ્રીય શાળાઓ મારફતે જ થાય. દરેક શાળામાં તેની સાધનાની આશા હું રાખું. એને વિષે આદર પેદા કરવામાં શિક્ષકોની દેશસેવાનું માપ છે, આળસની નિદ્રામાં સૂતેલા આ દેશને ઉદ્યમી બનાવવાનું એક જ સાધન રેંટિયો છે. રેંટિયામાં નિષ્કામ ઉદ્યમ છે તેથી તેમાં સંપૂર્ણ ફળ છે. ને તે ઉદ્યમનું સુંદર સ્વરૂપ છે. અત્યારે તે ભલે નીરસ લાગે, પણ તેની એ નીરસતામાં જ રસ છે. એ રસ લાવવાનું કામ શિક્ષકોનું છે. બન્ને શાળા આદર્શ બને એવી આશા હું રાખું છું.