પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

દીપે છે એ ન્યાયે વઢવાણે ભલે ઠીક કર્યુંં ગણાય. પણ આપણે થોડે સંતોષ નથી માની શકતા. વઢવાણની શક્તિ મુજબ વઢવાણે કર્યું છે કે નહિ એ જ સવાલ હોય. વઢવાણની શક્તિ વધારે છે એમ હું જોઈ ગયો છું. ઉદ્યોગશાળા એ ભાઈ શિવલાલનું ભારે સ્મારક છે. રેંટિયો તેમની જીવનદોરી હતી. તેનું રહસ્ય તે બરોબર સમજ્યા હતા એમ મને કહેવામાં આવ્યું હતું. એ રેંટિયાની બધી કળા વઢવાણ મારફતે ખીલે એમ હું ઇચ્છું છું.

રાજ્યપ્રકરણ

પ્રજા રેંટિયો ચલાવે, ખાદી પહેરે ને હું રાજ્યપ્રકરણને તપાસું, એવો વિભાગ આપણે પરિષદ સમયે પાડેલો. એ વિભાગનો અર્થ મેં સમજાવ્યો તો છે જ છતાં ફરી સ્પષ્ટ કરવાની જરૂર છે. તે આ છે. જેમ પ્રજા જાગ્રત રહી પોતાની પ્રતિજ્ઞા પાળે તેમ જ હું જાગ્રત રહી મારી પ્રતિજ્ઞા પાળું. પ્રજા જાગ્રત રહે તો પોતાની પ્રતિજ્ઞા પાળી સફળ થઈ શકે છે; કેમકે સફળતા પોતાને હસ્તક છે. હું જાગ્રત રહેતો ને તે પ્રતિજ્ઞાનું પાલન કરતો છતાં સફળ ન થાઉં એ શક્ય છે; કેમકે મારી સફળતા પરને હસ્તક છે. વળી મારી સફળતાનો આધાર પ્રજાના પ્રતિજ્ઞાપાલન પર છે. સૂતરની સાથે રાજ્યપ્રકરણને કેમ સંબંધ છે એ હજી સમજાવવું પડે છે એ દુઃખદ છે. સૂતર કાંતવામાં પ્રજાની સંઘશક્તિ રહેલી છે. તે શક્તિનો અદૃશ્ય પ્રભાવ સર્વત્ર પડે એવી મારી શ્રદ્ધા છે. તેમ હો કે ન હો, મારી પ્રતિજ્ઞાનો અર્થ પ્રજા સમજે એટલું આવશ્યક છે. હું કશું કરી શકીશ જ એવું કંઈ નથી. તો હું જેને સારામાં સારો રસ્તો માનું છું એ પ્રજાને સૂચવ્યો છે. પ્રજા કેવળ આન્દોલનોથી કંઈ નથી મેળવી શકતી.