પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
કાઠિયાવાડનાં સ્મરણો

રાજાઓની સ્થિતિ પણ સમજવી જોઈએ. નિંદા કે ટીકા જ કરવાથી અર્થ સરતો નથી. આ સ્થિતિ સમજવા ખાતર મેં પરિષદને રાજ્યપ્રકરણી ઠરાવો કરતાં ખામોશ રહેવાની સલાહ આપી. પ્રમુખ તરીકે મારાથી બની શકે તેટલી તપાસ કરવાની પ્રતિજ્ઞા કરી. તેનું પાલન કરવાનો મારો પ્રયાસ ચાલુ જ છે. હું નિરાંત વાળીને બેઠો નથી, બેસવાનો નથી. પણ આનો અર્થ એવો નથી કે જેને દર્દ છે તે પોતાનો ઇલાજ ન કરે. પરિષદની સહાયતા ઉપર પ્રમાણે મળે, એટલો જ મારી સલાહનો અર્થ છે. વ્યક્તિએ પોતાને યોગ્ય લાગે તેવા સત્ય ને શાંત ઉપાય ન્યાય મેળવવા લે તેમાં મારા તરફથી કશી રોકટોક નથી, એ સમજાવું જોઈએ. પરિષદથી બને તેટલી મદદ તો કરે જ. તે મદદે અત્યારે સ્વરૂપ એ પકડ્યું છે કે મારે મારી વીનવવાની શક્તિનો ઉપયોગ જે જે રાજ્યો વિષે ફરિયાદ થઈ છે. તે તે રાજ્યો વિષે કરવો. ફળનો આધાર વસ્તુની ને પાત્રની શુદ્ધતા ઉપર ને પ્રજાના પોતાની પ્રતિજ્ઞાના પાલન ઉપર છે. પ્રજાએ પણ પોતાની કાર્યદક્ષતાની છાપ પાડવી જ જોઈએ. પ્રજા જો રચનાત્મક કાર્ય કરી સ્વમાન જાળવશે તો પ્રજાને આત્મવિશ્વાસ આવશે. અત્યારે તો જેમ બીજા ભાગમાં તેમ કાઠિયાવાડમાં પ્રજા આત્મવિશ્વાસ ખોઈ બેઠી છે; જ્યારે સ્થિતિ તો એવી છે કે પ્રજા ધારે તેટલી પ્રગતિ કાઠિયાવાડનાં ઘણાં રાજ્યની અંદર કરી શકે છે, એમ મારો અનુભવ મને સૂચવે છે. કેટલીક સગવડો બ્રિટિશ વિભાગમાં નથી તે સગવડો કાઠિયાવાડનાં રાજ્યોમાં પ્રજાને છે, તે સગવડોનો પૂરો લાભ પ્રજા રચનાત્મક કાર્યો કરીને જ લઈ શકશે.

નવજીવન, ૧૮–૩–૧૯૨૫