પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

કહીએ તો, તેઓને અન્યાયી બનવાની લાલચો ઘણી રહેલી છે. ન્યાય કરે છે તેટલો પણ હજુ તેઓમાં સ્વતંત્ર નીતિ રહેલી છે તેથી જ. ખૂબી તો એ છે કે, દેશી રાજ્યો કેવળ નિરંકુશ છતાં અને અંગ્રેજી સત્તા અનીતિને અનુકૂળ છતાં, હજુ જે છે તે નીતિ જાળવી શકે છે. આ સ્થિતિ હિંદુસ્તાનની પ્રાચીન સભ્યતાની ભવ્યતાને ઋણી છે.

આમાં હું દેશી રાજ્યોનો બચાવ નથી કરી રહ્યો. હું તો કેવળ વસ્તુસ્થિતિ ઓળખી ‘સેવક’નો વિચારદોષ બતાવી તેની નિરાશા દૂર કરવા પ્રયત્ન કરી રહ્યો છું. દેશી રાજ્યો ગમે તેવાં ખરાબ હોય, છતાં જો હિંદુસ્તાનના કરોડો મનુષ્યો જે કેવળ બ્રિટિશ સત્તા નીચે છે તે પ્રજાને યોગ્ય સામાજિક ગુણો બતાવી શકે તો સ્વાધીન તંત્ર મેળવી શકે છે. એ ગુણો કેળવવામાં દેશી રાજ્યો મદદ કરવા ધારે તો ઘણી કરી શકે છે. પણ તે ન કરે, વિરુદ્ધ થાય, તોપણ પ્રજા એ ગુણો કેળવી શકે છે.

એ ગુણો કયા તે વખતોવખત આપણે વિચારી ગયા છીએ. રેંટિયો-ખાદી, હિંદુ-મુસલમાન ઐક્ય, અસ્પૃશ્યતાનિવારણ. આ ગુણોની આવશ્યકતા શાંતિમાર્ગે સ્વરાજ લેવા સારુ છે. જો તલવારબળથી મેળવવું હોય તો એમાંના એકેની જરૂર નથી. પણ પછી તે સ્વતંત્રતા પ્રજાની નહિ હોય, પણ બાહુબળિયાની હશે. પ્રજા તો ઓલમાંથી નીકળીને ચૂલમાં પડશે. ઘઉંવર્ણી ચામડીવાળો ડાયર સફેદવર્ણી ડાયર કરતાં વધારે ગ્રાહ્ય નહિ હોય. તો તો જે દેશી રાજ્યોની સ્થિતિને ‘સેવક’ રડે છે તે સ્થિતિ આખા હિંદુસ્તાનની રહેશે; કેમકે તલવારથી જે સંઘે અંગ્રેજ પાસેથી સત્તા છીનવી હશે તે સંઘ