પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
દેશી રાજ્યોનો પ્રશ્ન


હવે રહ્યું રાજ્યપ્રકરણ. મારી દૃષ્ટિએ આજે આવાં રચનાત્મક કાર્યની બહાર પરિષદને બીજુણ્ રાજ્યપ્રકરણ હોય નહિ. મેં તો સમસ્ત ભારતવર્ષને સારું એવું જ કલ્પેલું છે. જો ભારતવર્ષ મનાતા રાજ્યપ્રકરણને છોડીને કેવળ રચનાત્મક કાર્યમાં તન્મય થઈ ઠક્કરનિષ્ઠાથી કાર્ય કરે તો સ્વરાજ હસ્તામલકવત્ થઈ પડે. અને જો આ વાત હું ભારતવર્ષને લાગુ પાડું છું તો સહેજે કાઠિયાવાડને વિશેષ લાગુ પાડું. આનો અર્થ એવો નથી કે રાજ્યપ્રકરણનું કશું કામ કાઠિયાવાડમાં કે બહાર ન થાય. જેનાથી રાજ્યપ્રકરણનું જ કામ થઈ શકે, જેને રચનાત્મક કામ લૂખું લાગે, તે તો રાજ્યપ્રકરણમાં પડશે જ. તેવાઓના છેડા ઝાલીને આપણે તેની પાછળ પાછળ જઈશું. જો તેમનું કાર્ય આપણને નહિ ગમતું હોય તો આપણે તેમને તેમને માર્ગે જવા દઈશું, ને જ્યારે તેઓ જોશે કે તેમની પાછળ તો આપણે કોઈ જતા નથી ત્યારે તેમને પોતાના રસ્તાની યોગ્યતા વિષે શંકા ઉત્પન્ન થશે ને તે પાછા ફરશે. આ સુવર્ણમાર્ગ કાઠિયાવાડ પરિષદે ગ્રહણ કર્યો છે. મારી ઉમેદ છે કે પરિષદ તે ચીલો નહિ છોડે. એવો એક પણ બનાવ હું નથી જાણતો કે જેથી પરિષદે તે ભાગ છોડવો ઘટે. જો આપણે ભલા થઈશું, જો આપણે જાગ્રત થઈશું, જો આપણે ભયમુક્ત થઈશું, જો આપણે એક થઈશું, તો રાજા પણ સહેજે ભલા, જાગ્રત, પ્રેમાળ, અને રૈયતના મિત્ર થઈ રહેશે. આ ઈશ્વરી નિયમ છે. ‘આપ ભલા તો જગ ભલા’ એ લોકવાક્ય માત્ર નથી પણ એ સત્ય છે. ‘જેવી પ્રજા તેવા રાજા’ એ આ પ્રજાયુગમાં ‘રાજા તેવી પ્રજા’ના કરતાં વધારે સાચું છે. તેથી જ રાજ્યપ્રકરણ એટલે લોકોમાં