પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાઠિયાવાડ રાજકીય પરિષદ

પસાર કરાવીને મેં પરિષદની ને કાઠિયાવાડની સેવા કરી છે. એ ઠરાવ આ છે:

“રાજા પ્રજા વચ્ચે કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય અને આ પરિષદને પોતાની શક્તિનું પૂરું ભાન રહે તે હેતુથી, અને કેટલોક સમય થયાં ચાલતી આવેલી પ્રથાને નિશ્ચિત કરવા સારુ, આ પરિષદ ઠરાવ કરે છે કે આ પરિષદ કોઈ પણ રાજ્યને વિષે વ્યક્તિગત તેની નિંદા અથવા ટીકારૂપ કોઈ પણ ઠરાવ નહિ કરે.”

આ ઠરાવનો સંભવ સત્યની ઉપાસનાને આભારી છે. મેં જોયું કે મે૦ રાણા સાહેબની સાથે કેટલીક ગર્ભિત સમજૂતીને લીધે જ આ પરિષદ પોરબંદરમાં ભરાઈ શકી હતી, અને કેટલાક કાળ લગી આવી સમજૂતીથી જ પરિષદ ભરાઈ શકશે. આમાં પરિષદની અપંગતાનું માપ હતું. આવી અપંગતા કોઈ પણ પરિષદને ન હો. જ્યાં એવી અપંગતા હોય ત્યાં ક્યાંક કંઈક ખોડ હોય છે. પણ અપંગતાને ઢાંક્યે અપંગતા દૂર ન થાય. દરદને ઢાંકનારા દરદમાં વધારો કરે છે; તે મટાડવાના ઉપાયોની અવગણના કરે છે; પોતે પોતાના શત્રુ બને છે.

વિષયવિચારિણી સભામાં જ બે પ્રસંગો આવ્યા કે જેમાં સભાસદો દેશી રાજ્યની વ્યક્તિગત ટીકા કરનારા બે ઠરાવો લાવ્યા. એ ઠરાવો લાવવાનું કંઈ કારણ નહોતું એમ મારાથી કહી શકાય તેમ નથી. પણ એવા ઠરાવો લાવવા અથવા તેની ઉપર કઈ કાર્ય કરવું એ પરિષદની શક્તિ બહાર હતું એમ મેં સ્પષ્ટ રીતે જોયું. એ ઠરાવો તો સમિતિએ કાઢી નાંખ્યા. પણ એવા ઠરાવો લાવીને પરિષદ પોતાની હસ્તી લાંબી મુદ્દત ન નભાવી શકે એમ મેં જોયું. તેથી મેં પરિષદને સલાહ આપી કે પરિષદે પોતાની અશક્તિ, પોતાની મર્યાદા