પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
કાઠિયાવાડ રાજકીય પરિષદ

એવાં પણ મોહકતારહિત કાર્યો તરફ દુર્લક્ષ કરતા. હવે કાં તો આવાં નીરસ છતાં સરસ કાર્યો કરશે, અથવા પોતાના દરવાજા બંધ કરશે. કોઈને દેવાળું ગમતું નથી, તેથી પરિષદના કાર્યવાહકો ઇચ્છાએ કે અનિચ્છાએ પણ, કરવા યોગ્ય કાર્યો કરશે એવી આશા આપણે રાખીએ.

મજકૂર ઠરાવનો એવો અર્થ તો કોઈ ન કરે કે એ ઠરાવથી આપણે જગત આગળ કબૂલ કરીએ છીએ કે રાજ્યો કોઈ ટીકાને પાત્ર નથી. નિંદા તો કોઈની ન જ કરીએ. ટીકાને પાત્ર રાજ્યો હોવા છતાં આપણે એવું કબૂલ કરીએ છીએ કે, અત્યારે આપણી પાસે કાઠિયાવાડના કોઈ પણ રાજ્યની સરહદમાં રહી તેની કે બીજાં રાજ્યોની ટીકા કરવાની શક્તિ નથી. એટલે જ એવી ટીકા કરવાની શક્તિ ભવિષ્યમાં મેળવવાની આશાએ આપણે આવી મર્યાદા મૂકી છે. પરિષદમાં ઠરાવો મૂક્યા સિવાય, પરિષદમાં સીધી કે આડકતરી રીતે કોઈ રાજ્યની અંગત ટીકા કર્યા સિવાય, તે તે રાજ્યોમાં જણાતા દોષો દૂર કરવાના જે ઉપાયો તેની પાસે હોય તે લેવાનો પરિષદની સમિતિને અધિકાર છે, તેનો ધર્મ છે. જેમકે પરિષદની બેઠકને પ્રસંગે વિષયવિચારિણી સમિતિ પાસે ગમે તે સભ્ય હરકોઈ કાઠિયાવાડી રાજ્યના દોષોનું દર્શન સભ્યોને કરાવે ને સમિતિની તેને અંગે સલાહ માગે. અંકુશ એટલો જ કે તેને વિષે ઠરાવ પરિષદની પાસે ન મૂકી શકે, કાર્યવાહક સમિતિ તે તે રાજ્યની સાથે પત્રવ્યવહાર ચલાવી શકે, રાજાએ તથા તેમના અમલદારોને મળી શકે અને દાદ આપવા વીનવે, અથવા ફરિયાદો ખોટી ઠરે તો તે વસ્તુ જાહેર કરે. એટલે કે સમિતિ મિત્ર તરીકે પ્રત્યેક રાજ્યની પાસે યોગ્ય રસ્તે જઈ શકશે.