પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

ગ્રહણ ન કરે, તે પોતાની આજીવિકાને સારુ નિર્ભય ન થાય, નિર્ભય થયેલા સાર્વજનિક કાર્યને સમજતા ને તેમાં રસ લેતા ન થાય ત્યાંલગી રાજ્યોમાં સાચા સુધારા થવાની આશા થોડી જ રહે. તેથી રાજકીય પરિષદનો મહાન પ્રયાસ તો પ્રજામાં જ થવો ને રહેવો જોઈએ. પ્રશ્ન મૂળ છે, રાજા ફળ છે. મૂળ મીઠું થશે તો ફળ મીઠું જ પાકવાનું.

વળી જો કાઠિયાવાડ રાજકીય પરિષદને નસીબે શોભવાનું હશે તો મુખ્ય રાજ્યોમાં તેની તેની પ્રજાની નોખી પરિષદો હોવી જોઈએ, ને તે પરિષદો અવશ્ય પોતાના રાજ્યની બધી ટીકા વિનયપૂર્વક કરી શકે છે. આ પરિષદોએ પોતાની શક્તિ કેળવવી જોઈએ. તે શક્તિ કેળવવાને સારુ પણ રચનાત્મક કાર્યો થવાં જોઈએ. આની ઉપર તેની શક્તિની ખિલવણીનો આધાર છે.

આ કાર્યોને સારુ નિઃસ્વાર્થ, નીડર સેવકો જોઈએ. તે ક્યાં હશે ? જે હોય, જેટલા હોય તે શાંતિથી પોતાનું કાર્ય કર્યે જાય તો તેમાં વૃદ્ધિ થશે. ‘હું એકલો શું કરી શકું?’ આવો નામર્દ વિચાર કોઈ ન કરો.

આટલું તો મેં પ્રજાજન પરત્વે કહ્યું. રાજાઓ જો સમજે તો રાજકીય પરિષદના મજકૂર ઠરાવથી તેમની જવાબદારી બહુ વધી છે. આજ લગી તેઓ ટીકા અને નિંદાની બીકે કે તેને બહાને પરિષદની ઉપેક્ષા કરતા હતા, કોઈ અવગણના પણ કરતા હતા. પણ હવે મારી નમ્ર મતિ પ્રમાણે તો તેમણે પરિષદની સભ્યતાની કદર કરી પરિષદને વધાવી લેવી જોઈએ, તેને સંતોષવી જોઈએ, પોતાની અને પ્રજાની વચ્ચે તેનો પુલરૂપે ઉપયોગ કરવો જોઈએ. મારી પાસે પુરાવા છે તે