પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
કાઠિયાવાડ રાજકીય પરિષદ

ઉપરથી હું માનું છું કે કાઠિયાવાડનાં તમામ રાજ્યો ટીકાને યોગ્ય જ નથી એવું તો નથી જ. કેટલાકમાં બહુ મોટા દોષો છે એમ સાંભળવામાં આવ્યું છે. તેઓ આ યુગને ઓળખે. આખા જગતમાં જે અંધાધૂંધી ચાલી રહી છે, જેની ગંધ ભારતવર્ષમાં પણ પસરી રહેલી છે, તે એક મહાન નિશાની છે. અંધાધૂંધીરૂપે તે અવશ્ય ઝેરી છે, પણ તેને તળિયે હેતુ નિર્મળ છે. જાણ્યેઅજાણ્યે લોકો પોતે નીતિને માર્ગે ન જતા છતાં નીતિના ઉપાસક છે. સત્તાના આંધળા બળથી તેઓ થાક્યા છે, અધીરા થયા છે. તેમનો ઉપાય દરદ કરતાં પણ ભયાનક છે એ વાત તેઓ અધીરાઈમાં ભલે ભૂલી જતા હોય; પણ તેઓ ઇચ્છે છે સુધારણા, ઇચ્છે છે નીતિની સત્તા. તેમને માર્ગે નીતિ નહિ જ આવે એમ મારા જેવા સત્ય અને અહિંસાના ઉપાસક જોઈ શકે છે. પણ તેઓ એમ પણ જોઈ શકે છે કે જો સત્તાધિકારીઓ નહિ ચેતે તો તેમનો નાશ આવી પહોંચ્યો છે. રાજાઓએ ચેતી જવાની આવશ્યકતા છે. વિનાશકાળની સૂચક વિપરીત બુદ્ધિ તેમને કદી ન હો. હિંદુસ્તાન નીતિનાશને માર્ગે નહિ જ ધસે એવી અચલિત શ્રદ્ધા જ મને જીવવા દે છે. એ શ્રદ્ધાને રાજાઓ સાચી પાડો.

નવજીવન, તા. ૨૯–૧–૧૯૨૮