પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
પોરબંદર પરિષદ


છેલ્લે દિવસે કાર્યકર્તાઓ અને ‘સત્યાગ્રહ દળ’ ગાંધીજીની સાથે વાતચીત માટે ભેગા થયા હતા. હરિજન શાળાઓ માટે તે તે રાજ્યમાંથી જ પહેલા પૈસા મેળવવા જોઈએ. એ નિયમને ગાંધીજી આગ્રહપૂર્વક વળગી રહ્યા. એક કાર્યકર્તાએ પૂછ્યું કે, આ રાજ્યમાં હરિજન શાળા કઢાય કે નહિ ?

ગાંધીજીએ કહ્યું : “अ અપવિત્ર રાજ્ય છે એમ મેં ઘણી જગ્યાએ અને ઘણાને મોઢે સાંભળ્યું છે તે જો ખરું હોય તો ત્યાં કોઈ પણ પવિત્ર કાર્યને માટે ન જવાય. એ રાજ્યની અપવિત્રતા કાઢવાના કાર્યનો જ માત્ર આમાં અપવાદ છે. આપણે બ્રિટિશ રાજ્યમાં રહ્યા છીએ, તેથી તેને અમુક પ્રકારની પ્રતિષ્ઠા મળી જાય છે, પણ આપણે એ અનીતિમય રાજ્યતંત્ર અંદર રહીને તોડવું છે એટલે છૂટકો નથી. બાકી બીજા કોઈ પણ પવિત્ર કામ માટે કોઈ પણ સારા માણસે અપવિત્ર રાજ્યમાં જવું અથવા રહેવું એ રાજ્યની પ્રતિષ્ઠા વધારવા જવા જેવું છે.”

‘સત્યાગ્રહ દળ’ એ ભાઈ ફૂલચંદે યોજેલું સત્યાગ્રહની તૈયારી કરનાર યુવાનોનું નાનકડું મંડળ છે. હાલ ૨૨ યુવકો છે. સૌ ગાંધીજીની સલાહ વિના કશું પગલું ન લેવાને બંધાયેલા છે. એ યુવકોએ પ્રશ્નો પૂછ્યા.

પ્ર૦ દેશી રાજ્યોમાં સુધારા માટે એક અખિલ ભારતીય સત્યાગ્રહ સંસ્થા જોઈએ કે નહિ ?

ઉ૦ ન જોઈએ. દક્ષિણ આફ્રિકામાં મારી સાથે ૬૦,૦૦૦ થઈ ગયા તેમાંના આજે કેટલા સત્યાગ્રહી છે? પણ તમારા ૨૨ તો જ્યારે જોઈએ ત્યારે કામ આપે એ હેતુથી ચૂંટાયેલા છે. તમે જ્યારે કામ ઉઠાવશો — અને તમે વિવેક વિના