પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

પગલું ભરવાના નથી — તે વેળા બીજા અનેક તમને મળી રહેશે. તમે સમજુ સત્યાગ્રહી હો તો તમે કહો છો તેવા અખિલ ભારતીય સત્યાગ્રહ દળની જરૂર નથી. પ્રસંગ આવ્યે તમારું અને સાથે સાથે દેશનું ઝવેરાત પ્રગટશે.

પ્ર૦ સત્યાગ્રહ દળે ગુણ અને સંખ્યામાં કેવી રીતે વધવું?

ઉ૦ દરેક સત્યાગ્રહીએ જાગૃત રહેવું જોઈએ. તેનામાં આળસ, શિથિલતા, તંદ્રા ન હોય, તેને વ્યાધિ ન હોય; એટલે કે દરેક જણ પોતાને વિષે સતત વિચાર કરતો હોવો જોઈએ. પોતે નક્કી કરેલી પોતાની પ્રવૃત્તિની અંદર પોતાને આંક્યા જ કરે. વડા સેનાપતિની આગળ દરેક સૈનિકના કામકાજની રોજનીશી જોઈએ.

પ્ર૦ આજે તો ઘણા હરિજન શાળા વગેરેમાં રોકાયેલા છે.

ઉ૦ હું તો એવા સત્યાગ્રહીને પૂછું કે તેણે બાળકોને સત્યાગ્રહનો સ્પર્શ કેટલો કરાવ્યો, બાળકોની સાથે તે કેટલો ઓતપ્રોત થઈ ગયો ?છોકરાને પૂછું કે આ કોણ છે, તો તેણે કહેવું જોઈએ કે અમે તો આ શિક્ષકને જ બાપ તરીકે જાણીએ છીએ.

તમારામાં સત્યાગ્રહી દાક્તર છે. સત્યાગ્રહી દાક્તર કેવા હોવા જોઈએ તે કહું? એ ગરીબને પહેલું સ્થાન આપે, મારા જેવા અને બીજા જેમને ગમે ત્યારે દાક્તર મળે છે તેવાને દાદ ન દે. ગરીબોને પૂછે કે જુઓ તમારા દાંત પડી ગયા છે, તમારે દાંતનું ચોકઠું જોઈએ છે? એ માણસને એમ ન થવું જોઈએ કે કોઈ ખરાબ દાંતવાળા નથી મળતા, મારો ધંધો કેમ ચાલશે ? સત્યાગ્રહી દાક્તરની વધારે વ્યાખ્યા ‘હિંદ સ્વરાજ’માં જોઈ લેજો. સત્યાગ્રહી દાક્તર પોતાની