પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

આજે ‘ડિમોક્રસી’નો યુગ ચાલે છે. મને એના અર્થની ખબર નથી; પણ જ્યાં પ્રજાનો અવાજ સંભળાય છે, પ્રજાના પ્રેમને પ્રાધાન્ય છે. ત્યાં ‘ડિમોક્રસી’ છે એમ કહેવાય. પણ મારા રામરાજ્યમાં માથાં ગણીને અથવા હાથ ગણીને પ્રજાના મતનું માપ ન કાઢી શકાય. એવી રીતે મત લેવાય તેને હું પંચનો મત ન માનું, પંચ બોલે તે પરમેશ્વર એ હાથ ઊંચા કરનારા પંચ ન હોય. ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરીને જોયું કે માણસો તપશ્ચર્યા કરતા હોય, પ્રજાહિતની ભાવનાવાળા હોય, અને તે મત આપે તે પ્રજામત કહેવાય. એનું નામ સાચી ‘ડિમોક્રસી’. મારા જેવો એકાદું ભાષણ આપીને તમારો મત ચોરી જાય તે મનમાં પ્રગટ થતી વસ્તુ તે ‘ડિમોક્રસી’ નથી. મારી ‘ડિમેક્રિસી’ રામાયણમાં આલેખાયેલી છે — અને રામાયણ પણ હું જેમ સીધું સાદું વાંચું છું અને તેમાંથી જે ભાવ નીકળે છે તે પ્રમાણે. રામચંદ્રે કેમ રાજ્ય કર્યું ? આજના રાજા તો રાજ કરવું એ પોતાનો જન્મસિદ્ધ હક માને છે, અને પ્રજાનો કશું કહેવાનો હક સ્વીકારતા નથી. પણ રાજાઓ જે રામના વંશજો કહેવાઓ તે રામે શું કર્યું તે તમે જાણો છો ? કૃષ્ણના પણ તમે વંશજ કહેવાઓ. કૃષ્ણે પણ શું કર્યું ? કૃષ્ણ તો દાસાનુદાસ હતા, રાજસૂય યજ્ઞ વેળા શ્રીકૃષ્ણે તો સૌના પગ ધોયા, પ્રજાના પગ ધોયા. એ વાત સાચી હોય કે કાલ્પનિક હોય, એ પ્રથા તે વેળા હોય કે ન હોય, પણ તેનું રહસ્ય એ કે તેમણે પ્રજાને નિહાળીને પ્રશ્નને નમન કર્યું, પ્રજાના મતને નમન કર્યું. રામાયણમાં આ વસ્તુ જુદી રીતે આલેખાયેલી છે. ગુપ્તચર દ્વારા રામચંદ્રજી નગરચર્ચા કરાવીને જાણે છે કે સીતાજીને વિષે એક ધોબીના ઘરમાં