પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
સ્વરાજ એટલે રામરાજ્ય

અપવાદ ચાલે છે. તેઓ તો જાણતા હતા કે અપવાદમાં કશું નહોતું, તેમને તો સીતા પ્રાણ કરતાં પ્યારાં હતાં, તેમની અને સીતાજીની વચ્ચે ભેદ પડાવે એવી કાઈ વસ્તુ નહોતી, છતાં આવો અપવાદ ચાલવા દેવો એ બરોબર નથી એમ સમજી તેમણે સીતાજીનો ત્યાગ કર્યો. એમ તો રામચંદ્રજી સીતામાં સમાતા હતા, અને સીતા રામચંદ્રજીમાં સમાતાં હતાં. જે સીતાને સારુ રામ લશ્કર લઈને ચડ્યા, જેની રાતદિવસ રામે ઝંખના કરી, તે સીતાના શરીર-વિયોગની રામચંદ્રજીએ આવશ્યકતા માની. એવા પ્રજામતને માન આપનારા રાજા રામનું રાજ તે રામરાજ. એ રાજમાં કૂતરા સરખાને પણ ન દૂભવી શકાય, કારણ રામચંદ્રજી તો જીવમાત્રનો અંશ પોતામાં જુએ. એવા રાજ્યમાં વ્યભિચાર, પાખંડ, અસત્ય ન હોય. એ સત્યયુગમાં પ્રજાતંત્ર ચાલ્યા કરે. એ ભાંગ્યું એટલે રાજા રાજધર્મ છોડે, બહારથી આક્રમણો થવા લાગે. મનુષ્યનું લોહી બગડે છે ત્યારે બહારનાં જંતુઓ આક્રમણ કરે છે. તેમ જ સમાજશરીર અસ્વચ્છ થાય ત્યારે સમાજનાં અંગોરૂપ મનુષ્યો ઉપર બહારથી આક્રમણ શરૂ થાય છે.

પણ રાજા પ્રજા વચ્ચે પ્રેમનો મેળ સંધાય ત્યારે પ્રજાશરીર આક્રમણોની સામે ટક્કર ઝીલી શકે. રાજશાસન એ પ્રેમનું શાસન છે; રાજદંડ એટલે પશુબળ નહિ પણ પ્રેમની ગાંઠ. રાજા શબ્દ જ ‘રાજ’ એટલે શોભવું ધાતુ ઉપરથી બનેલો છે. તેથી રાજા એટલે જે શોભે છે તે. એ જેટલું જાણે છે તેટલું પ્રજા નથી જાણતી. એણે તો પ્રેમપાશથી પ્રજાને બાંધી લીધી છે તેથી તે દાસાનુદાસ છે. શ્રીકૃષ્ણ પણ દાસાનુદાસ હતા, અને તેમણે સેવકની પાટુ ખાધી. તેમ રાજારજવાડાઓને