પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

છોડાવવાનો પ્રયત્ન કર્યા જ કરું છું, અને એમને સમજાવવા ઇચ્છું છું કે મારા વિના પરિષદ ન ભરાય એમ માનવાની લાચારી એ ન ભોગવે. પ્રજાનું સંગઠન કરવું હોય તો, ગમે તેવો મોટો માણસ હોય, ગમે તેવો બુદ્ધિશાળી હોય તોપણ તેના વિના ચલાવી લેવાની શક્તિ આપણામાં હોવી જોઈએ. આત્મામાત્ર એક છે એમ બધા માનનારા છે, અને બધા આત્મામાં છૂપી શક્તિ એવી ભરી છે કે તે તેને ગમે ત્યારે પ્રગટાવી શકે અને મોટામાં મોટો થઈ શકે. એ કેળવવામાં જ પ્રજાસત્તાક રાજ્ય રહેલું છે. ક્રિચનર ગુજર્યો એટલે રાજ્યતંત્ર બંધ ન થયું, રાજ્યનો અસ્ત ન થયો, યુદ્ધ બંધ ન થયું, પણ તેની જગ્યા બીજાએ પૂરી. ગ્લૅડસ્ટન ગયો ત્યારે પણ રાજ્યતંત્ર બંધ ન થયું. આપણે ગમે તેટલા ગ્લૅડસ્ટન પેદા કરી શકીએ છીએ એ આત્મવિશ્વાસ એ પ્રજામાં રહેલો છે.”

મર્યાદા હેઠળ પરિષદ ભરવાના પોરબંદરના ઠરાવની ઉપર ચર્ચા કરતાં ગાંધીજીએ કહ્યું :

“એ ઠરાવથી આપણે મેળવ્યું છે. એમાં આપણી માનહાનિ નથી પણ માનવૃદ્ધિ છે. એથી આપણે રાજ્યોની પણ સેવા કરેલી છે. એ સેવા આપણને જરૂર કઠે, જો આપણે એવા સંપ્રદાયના હોઈએ કે દેશી રાજ્યો સુધરી જ ન શકે ને એમનો નાશ થવો જ જોઈએ. મોટા અને બુદ્ધિશાળી માણસો ઊંડા અભ્યાસ પછી એવા અભિપ્રાય બાંધતા જાય છે કે રાજ્યોમાં અને રાજાઓમાં એવો સડો પેઠો છે કે એ સુધારી શકાય એમ નથી. આ સંપ્રદાય વધ્યો જાય છે એનાં કારણો છે: કેટલાંક રાજાઓએ જાણીબૂજીને આપ્યાં છે, કેટલાંક