પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે-


કાઠિયાવાડની ભૂમિ એવી છે કે તેમાંથી એક પણ માણસને પરદેશ જવાની જરૂર ન હોવી જોઈએ. કોઈ મોટો વેપાર ખેડવાનું સાહસ કરે એ તો સ્તુત્ય છે; પણ મારા પ્રસંગમાં સેંકડો બલ્કે હજારો કાઠિયાવાડી એવા આવ્યા છે જે કેવળ આજીવિકાને અભાવે કાઠિયાવાડ છોડે છે. આ મને સાલે છે, ને આપને સાલે એમ હું ઈચ્છું છું. કાઠિયાવાડના મજબૂત બાંંધાવાળા, દેખાવડા ખેડૂતોનાં ઘરોમાં જે તેજી અગાઉ જોવામાં આવતી તે મેં મારા આ વખતના પ્રવાસોમાં ન જોઈ. મને યાદ છે કે ૩૫ ના દુકાળ પહેલાં મેં ગામડાંઓમાં દૂધમાખણની છોળ જોયેલી. પાવળે ઘી પીરસે તો અવિવેક ગણાતો મેં ભાળ્યો છે. કાઠિયાવાડની ઊંચી પહાડ જેવી દેખાતી બહેનોને હાથે બચપણમાં તેમની ઊજળી તાંસળીમાં ઘાટી છાશ પીધેલી મને સાંભરે છે.

આજે તો છાશને બદલે ધોળું પાણી જોઉં છું. ઘીની ઝારીઓને બદલે ઘીનાં પાવળાં પણ મુશ્કેલીથી જોવા મળે છે. સમૃદ્ધિ જતાં લોકો સંકોચાય છે ને બહાર નાસભાગ કરે છે.

ખચીત માનજો કે, જો રાજામહારાજાનો વર્ગ મદદ કરે તો રેંટિયાથી ને સાળથી કાઠિયાવાડ હતું તેના કરતાં વધારે તેજસ્વી બને. કાઠિયાવાડમાં છવ્વીસ લાખની વસ્તી ગણાય છે. તેમાં પાંચ લાખ રેંટિયા સહેજે ચાલે. એટલે દર માસે ઓછામાં ઓછા સાડાસાત લાખ રૂપિયાની કમાણી થઈ. જો કાઠિયાવાડની બહેનો આઠ જ માસ ભજન ગાતી રેંટિયા ચલાવે તો દર વર્ષે સાઠ લાખ રૂપિયા પોતાના ઘરમાં મૂકે. આમાં આપને એક પાઈ પણ આપવી ન પડે. શું આમ સહજ થતી કમાણી કાઠિયાવાડની પ્રજા કરે તેનો આપ દ્વેષ કરો ? અથવા તેની હાંસી કરો ?