પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

રાજ્યોમાં આ બધું સંભવે છે; તેથી બ્રિટિશ સલ્તનતનો નાશ થાય, એટલે આપોઆપ દેશી રાજ્યોનો રસ્તો થઈ જશે. આપનું આમ કહેવું થતું હોય તો એક સવાલ પૂછવો રહે છે. બ્રિટિશ સલ્તનતની ઓથ ન હોય તો મધ્યકાલની સાથે જે જવાં સરજાયાં હતાં, અને જેની રચના જ એવી છે કે જેના પરિણામે રાજાની અનિયંત્રિત આપખુદીનો જ કોરડો ફરે, તે આ દેશી રાજ્યોનો સડો આજે જરાયે ઓછો હોત ખરો ? ભૂતકાળમાં જ્યાં ઇતિહાસમાં આવાં રાજ્યતંત્રો નોંધાયાં છે ત્યાં તેના અનિવાર્ય પરિણામ તરીકે આવા જ સ્વેચ્છાચાર અને સિતમ નોંધાયા છે, એટલે એવાં તંત્રોનો એ જીવનસ્વભાવ છે. એટલે કે બ્રિટિશ સલ્તનતની ઓથ હોય કે ન હોય, તોપણ દેશી રાજ્યમાં એ જ સ્થિતિ સંભવે. આ વિચારણા બરાબર છે ? જો બરાબર હોય તો બ્રિટિશ સલ્તનતથી સ્વતંત્ર રીતે દેશી રાજ્યોના નાશનો ‘કેસ’ તૈયાર નથી થતો ? અને બ્રિટિશ સલ્તનત વચમાં ન હોય તો પ્રજાએ તેમનો કે દિવસનો નાશ કર્યો હોય એમ ન બનત? આ સદીમાં ઓછામાં ઓછાં દશ રાજવી તંત્રોનો નાશ થયો, તેમ આનો પણ ન થાત?”

આ પ્રશ્નમાં પ્રશ્નકારે જ કેટલોક જવાબ આપી દીધો છે. પૂર્વની સ્થિતિના જેવી જ ભવિષ્યમાં થવાનો સંભવ નથી, કેમકે આસપાસના સંજોગો બદલાયા છે. ઇતિહાસને પાને ચડેલાં બધાં સ્વતંત્ર રાજ્યો ખરાબ જ હતાં એવું નથી. બધી પ્રજાના ઇતિહાસમાં રામ જેવા ને રાવણ જેવા થઈ ગયેલા જોવામાં આવે છે. આજે આપણો અનુભવ પણ કહે છે કે બધાં દેશી રાજ્યો એકસરખાં ખરાબ નથી. કેટલાંક તો બહુ સારાં છે, તે જો તેમની ઉપર ભૂંડું સામ્રાજ્ય ન હોય તો તેઓ બહુ વધારે સારાં થાય. જો સામ્રાજ્યની હયાતી ન હોત તો હાલનાં જે સડેલાં રાજ્યો છે તેની હસ્તી જ ન હોત, અથવા તેની અંધાધૂંધીમાં ભરતીઓટ થયા કરત. આજે