પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

પાત્ર નહિ, આ પ્રકારનું આપનું કહેવું હોય એમ લાગે છે. ત્યારે સુધારાને અવકાશવાળું રાજ્ય આપ કોને કહો અને સુધારાને અવકાશ ન હોય એવું રાજ્ય આપ કોને કહો ? એ પરત્વે આપનાં નિર્ણાયક ધોરણો અને સિદ્ધાન્તો સમજાવો તો અમારા જેવાને સમજ પડે.”

બ્રિટિશ સલ્તનત એ મનુષ્ય નથી, પદ્ધતિ છે. જે પદ્ધતિથી એ ચાલે છે તે પદ્ધતિથી હિન્દુસ્તાન પાયમાલ થયું છે, વધારે થતું જાય છે. તેથી એ પદ્ધતિનો હું નાશ ઇચ્છું; હું તો શું, લગભગ આપણે બધા ઇચ્છીએ છીએ. દેશી રાજ્યો એટલે વ્યક્તિઓ. મનુષ્યમાત્રમાં સુધારાને અવકાશ છે, એટલે દેશી રાજાઓમાં પણ છે. જો તેમના સ્વેચ્છાચારને ટકાવનારું સામ્રાજ્ય ન હોય તો દેશી રાજાઓની પાસેથી ઘણા હકો આજે તે તે રાજ્યોની પ્રજા મેળવી શકી હોત. દેશી રાજ્યો નાનકડાં હોઈ તેમનામાં સુધારા જેટલી સહેલાઈથી થઈ શકે તેટલી સહેલાઈથી મોટા રાજ્યમાં ન થઈ શકે એ દેખીતું છે. તેથી મોટાં રાજ્યો ભાંગી નાંખી નાનકડાં કરવાં એમ હું નથી સૂચવવા માગતો, પણ નાનાં રાજ્યોના નાનપણનો લાભ બતાવી રહ્યો છું. કેટલાક પ્રયોગો બ્રિટિશ હિન્દુસ્તાન સહેલાઈથી ન કરી શકે તે દેશી રાજ્યો સુખેથી કરી શકે. જેમકે મદ્યપાનનિષેધ, જમીનમહેસૂલનો સુધારો, ‘હિન્દુ લૉ’ના આવશ્યક સુધારા, સામાજિક સુધારા, નાની બૅંકોના પ્રયોગ, પ્રજાની — વ્યક્તિની નહિ — માલિકીનાં દુગ્ધાલયો ઇત્યાદિ અનેક વસ્તુઓ દેશી રાજ્યોમાં આજે થઈ શકે — જો સામ્રાજ્ય સવળું હોય તો. મારી તો અવશ્ય માન્યતા છે કે દેશી રાજ્યોમાં એટલે રાજાઓમાં અનંતગણો અવકાશ ઊંચે જવાને