પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
ચક્રવર્તી અને માંડલિક

સારું છે. અને રાજાનો જ દોષ શો કાઢવો? પ્રજાનો કાં જરાયે નહિ ? એટલે આ જવાબોને પૂરતો પ્રજાનો અર્થ મુત્સદ્દીવર્ગ. એ વર્ગમાં કંઈક વીરતા આવે, ખુશામતખોરી મોળી પડે, સ્વાર્થદૃષ્ટિ સંકેલાય, પરમાર્થદૃષ્ટિ ઝાંખી થાય, તો એ વર્ગને રાજાઓને સુધારે એમ છે. એ રાજાના હાથપગ છે. હાથપગ હાલવાની ના પાડે તો રાજા બિચારા ઠૂંઠા થઈ પડે. આ વસ્તુનો અનુભવ કોને નથી? રાજાપ્રજાનો સ્વાર્થ એક જ છે. રાજાઓ આજે વિલાયત પારિસ વસતાં શિખ્યા, નહિ તો એમનું વિલાયત એમના રાજ્યનો ટેકરો; એમના વૈભવમાં વપરાયેલા પૈસા પ્રજામાં વપરાય. ભૂંડું કરવાની તેમની શક્તિને અને આવડતને મર્યાદા છે, સારું કરવાની શક્તિને હદ જ નથી; જ્યારે સામ્રાજ્યને વિષે તો જ્યાં જોઉં છું ત્યાં જૂઠ્ઠાણું, તરકટ, દંભ, દુષ્ટતા, શરાબખોરી, જુગાર, વ્યભિચાર, રાતની તે દહાડાની લૂંટ, ડાયરશાહી, તેના સત્રમાં બધાની કુરબાની. તેના લાભ દેખાય છે તે દેખાવ માત્ર છે. તે જીવે છે પોતાના વેપારને અર્થે, તે મરશે તેને બચાવતાં. આ તીખા શબ્દોનો કોઈ અનર્થ ન કરે. સુધારાને નામે પંકાયેલો પશ્ચિમનો સુધારો મને અળખામણો છે. તેનું ગામડિયું ચિત્ર મેં ‘હિંદ સ્વરાજ’માં આપ્યું છે. તેમાં કાળે કરી કંઈ ફેરફાર નથી થયો. પશ્ચિમનું બધું ખરાબ એવું સમજાવવાનો પણ આશય નથી. પશ્ચિમની પાસેથી ઘણુંયે શીખ્યો છું. ત્યાં શુદ્ધ તપસ્વી લોકો ઘણાયે છે. પશ્ચિમમાં મારા મિત્રો ઘણાયે છે. પણ જેને પશ્ચિમના લોકો સુધારાને નામે પૂજે છે તે હિરણ્યમય પાત્ર છે; તેના ચળકાટથી પ્રશ્નકાર અને બીજા અંજાઈ ગયેલા જોઉં છું.