પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
વિચારની અરાજકતા

આવે પ્રસંગે પણ આપ અહિંસા રાખવાનું કહો તે કેવી રીતે રહી શકે? હું જૈન છું, છતાં હિંમત કરીને કહું છું કે એ માણસે અરજી કરવામાં જ ભૂલ કરી છે. તેણે તો — ના મહારાજાનું ખૂન જ કરવું જોઈતું હતું, અને એમ કરતાં આડે આવનાર એક લાખ માણસને પણ શક્તિ હોય તો મારી નાંખવામાં જરાયે પાપ નથી એમ હું માનું છું.

આ બધું કહેવાનો માત્ર એક જ હેતુ કે આપે અમુક મર્યાદા સ્વીકારવી જોઈએ; જેમકે ખાદી, ઐક્ય અને અસ્પૃશ્યતાનિવારણ. એ સિવાય બીજાં કોઈ પણ સામાજિક, ધાર્મિક, અને ખાસ જરૂર વગરનાં બધાં ક્ષેત્રોનો ત્યાગ કરી માત્ર એક રાજકીય ક્ષેત્ર વિષે જ લખવું જોઈએ ને કામ કરવું જોઈએ. એક માણસ બધાને રાજી રાખી શકશે નહિ, અને તેમ રાખવા જશે તો બધાનું બગાડશે. આપણે તો અત્યારે હિંદુસ્તાનની રાજકીચ સ્વતંત્રતા માટે જ લડીએ છીએ. એ પ્રધાન ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ કામ કરવું જોઈએ. ભોપાળના નવાબ વિષે તો આપને એટલું જ કહેવાનું કે તેમનાં વખાણ કરવામાં આપે ભૂલ કરી છે. કોઠારીજી જેવા માણસ મારફત ખાતરી કરશો. પ્રજાતંત્ર કરતાં પ્રભુથી ડરનારા રાજા અને પ્રજાનું રાજ્ય તો સારું એ વિષે કશી શંકા નથી. પણ અત્યારે રાજાઓનો યુગ આથમી ગયો છે. રાજાઓ ગમે તેટલા સારા હોય તોપણ તેમના સંબંધીઓ સારા ન હોય —બધો વખત ન રહે. એ હિસાબે પ્રજાતંત્ર સારું. ઇંગ્લંડના રાજા જેવાં શોભાનાં પૂતળાં જેવા ભલે તેઓ રહે.”

આવા અને આથી ખરાબ કાગળો મારી ઉપર ઠીક પ્રમાણમાં આવે છે. એવો જ ભાવ દર્શાવનારાં છાપાંની કાપલીઓ પણ મિત્રોએ મોકલી છે. જ્યારે માણસને વિચાર પ્રગટ કરવાની છૂટ મળે છે ત્યારે એવું બન્યા જ કરે છે. એ સૂચવે છે કે માણસ કેવા અવ્યવસ્થિત વિચારો કરી શકે છે.