પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

સાદાઈએ મને હજરત ઉમરની સાદાઈનું સ્મરણ કરાવ્યું. આનો અર્થ એવો કોઈ ન કરે કે ભોપાળના મહેલની સાદાઈ આ મહાન ખલીફાના ઝૂંપડાની સાદાઈનો મુકાબલો કરી શકે. એનો અર્થ માત્ર એટલો કે જ્યાં લાખોનો નવો શણગારેલો મહેલ જોવાની મને બીક લાગતી હતી ત્યાં મેં સામાન્ય ધનિક માણુસની મેડીના જેવું પણ કંઈ ન જોયું. આપણા અમદાવાદના કેટલાક કરોડપતિઓના મહેલો તો નવાબ સાહેબના મહેલના મુકાબલામાં સોગણા ચડી જાય. આવી મને રુચતી મકાનની સાદાઈ જોતાં એટલુંયે કહેવું દેશી રાજ્યની રાજનીતિના વિચારકો ને ટીકાકારો ન સાંખી શકે તો એ અસહિષ્ણુતાની હદ આવી ગણાય.

કોઈ મારી પાસેથી બસેંચારસેંની ખાદી લે તો હું તેને પ્રમાણપત્ર આપી દઉં એવો ભેાળો કે ભલો મને કોઈ ન માની લે. ખાદી પહેરીને છેતરનારા, ખાદી ખરીદીને મારી પાસેથી બીજું કામ લેવા ઇચ્છનારાને હું ઘણે ભાગે તારવી શકું છું. કેટલીકવાર હું છેતરાવું પસંદ કરું છું; કેટલીક વાર મારી મૂર્ખતા — કહો કે અપૂર્ણતા — ને લીધે પણ છેતરાઉં છું.

રાજાઓ ઝેર પાઈને લોકોને મારી નાંખે છે વગેરે આક્ષેપોમાં ઘણી અતિશયોક્તિ છે. લખનારે આ આક્ષેપો વગરપુરાવે કરેલા છે. નવરા માણસો ગમે તે ગપ્પાંને માની લે છે, આ ભાઈસાહેબે કંઈક એવું કરેલું છે. જો તેમની પાસે ઝેર દઈ મારી નાંખનાર રાજાનો સજ્જડ પુરાવો હોય તો તે મારી પાસે મોકલે, સાંભળેલું પુરાવામાં નહિ ગણાય. મારા લખાણના આ ભાગનો વાંચનાર ઊંધો અર્થ ન કરે. કોઈ દેશી રાજા કોઈને અન્યાયપૂર્વક નથી મારી નાંખતા એમ