પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
રાજા અને રંકનું

પ્રજાને લૂંટતા હોવા જોઈએ. રંકને જરૂર પડતાં કપડાં મળવાં જોઈએ. રાજા વધારે કપડાં ભલે રાખતો; પણ તેનાં કપડાં વચ્ચે ને રંકનાં કપડાં વચ્ચેનું અંતર દ્વેષ ઉત્પન્ન કરનારું ન હોવું જોઈએ. રાજાનાં ને રંકનાં બાળકો એક જ પ્રાથમિક શાળામાં ભણતાં હોય. રાજા પ્રજાનો મુરબ્બી થઈ ન રહે, પ્રજાનું કંઈ ભલું કરે તો પોતે ઉપકાર કર્યો છે એમ ન માને. ધર્મમાં ઉપકારને સ્થાન નથી. પ્રજાની સેવા કરવાનો રાજાનો ધર્મ છે. જે રાજાને વિષે કહ્યું તે બધા ધનવાનને લાગુ પડે છે. રાજાનો ધર્મ જેમ પ્રજાના રક્ષક અને મિત્ર તરીકે રહેવાનો છે, તેમ રંકનો ધર્મ રાજાનો દ્વેષ ન કરવાનો છે. રંકની રંકતા પોતાના દોષ, પોતાની ખામીને લીધે ઘણે ભાગે છે, એનું તેને ભાન હોવું જોઈએ. રંક પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરતો છતાં રાજાનો દ્વેષ ન કરે, તેનો નાશ ન ઇચ્છે, તેનો સુધારો જ ઇચ્છે. રંક રાજા થવાની ધારણા ન કેળવે; પણ પોતાની હાજતો પૂરી પાડીને સંતુષ્ટ રહે. આમ બંને એકબીજાને મદદ કરતા રહે એ મારી કલ્પનાનું સ્વરાજ.

મારી દૃષ્ટિએ આ સ્વરાજ મેળવવા સારુ રાજા ને પ્રજા બંનેની કેળવણીમાં મહત્ત્વના ફેરફાર કરવાની જરૂર છે. લૂંટનાર ને લૂંટાનાર બંને અંધારામાં ભટકે છે. તે રસ્તો ભૂલ્યા છે. બેમાંથી એકેય સ્થિતિ સહન કરવા જેવી નથી. પણ રાજવર્ગ ને ધનિકવર્ગને આ વાત ઝટ ગળે ઊતરે નહિ. એકને ગળે ઊતરે તો બીજાને એની મેળે ઊતરે, એ નીતિને અનુસરીને મેં રંકની સેવા પસંદ કરી છે. બધા રાજા ન થઈ શકે, પણ બધામાં તો સૌ સમાઈ શકે. અને રંકને પોતાના હકનું ને