પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

નીતિ વિરુદ્ધ છે કે નહિ એટલું જ કહેવાનો મને અધિકાર હતો. તેથી મેં અભિપ્રાય આપ્યો કે પ્રતિજ્ઞાના મૂળમાં દોષ નથી ને તે પ્રતિજ્ઞાનું પાલન કરવાનો તેનો ધર્મ છે.

નિયમ આ છે: જે સત્યાગ્રહની પ્રતિજ્ઞા અહિંસાની વિરોધી નથી ને જેનું નુકસાનકારક પરિણામ કેવળ પોતા ઉપર જ ઊતરવાનો સંભવ હોય તે પ્રતિજ્ઞાનું પાલન આવશ્યક છે; પછી ભલે પ્રતિજ્ઞા લેનારે આગળપાછળની ગણતરી ન કરી હોય, કોઈની સાથે મસલત ન કરી હોય ને પોતે એકલો જ ઝૂઝનાર હોય. એવા નનામા સત્યાગ્રહી વીરો તો જગતમાં અગણિત થઈ ગયા છે. તેમને સારુ કોઈ કીર્તિસ્તંભ નથી ચણતું, તેઓ ઇતિહાસને પાને નથી ચડતા, તેઓ અખબારને પાને પણ નથી ચડતા. તેમનાં નામ પ્રભુના ચોપડામાં ચડે છે; અને તેમના બળ ઉપર જગત ટકી રહ્યું છે. એમ આપણે ચોક્કસ માનીએ. એવાઓના કામમાં માથું મારનાર જ્ઞાની નથી, તે અંધકૂપમાં પડ્યો છે ને દોઢડહાપણ કરી પુરુષાર્થને અટકાવે છે.

આમ નિયમને લખી નાખતાં તે શોભી નીકળ્યો છે. પણ તેને વ્યવહારમાં મૂકતાં, સાથીઓને દોરતાં મને પ્રતિક્ષણ ધર્મસંકટ આવે છે, ને ‘નહિ ઝાડ ત્યાં એરંડો પ્રધાન’ એ ન્યાયે હું વધારે જાણનારની અવેજીમાં સાથી પ્રત્યે કાજીનું સ્થાન લઈ ફતવાઓ આપ્યે જાઉં છું. મારો અનુભવ એવો છે કે આ અભિપ્રાયોથી હજી લગી નથી નુકસાન થયું સાથીઓને કે નથી નુકસાન થયું પ્રજાને. બંને આગળ વધ્યાં છે. મારા અભિપ્રાયને અનુસરતાં સાથીઓને ઘણી વાર દુઃખ થયું છે, પણ