પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
દેશી રાજ્યો અને સત્યાગ્રહ

તે દુઃખ છેવટના સુખને ખાતર હતું એમ તેમનામાંના ઘણા અનુભવી ચૂક્યા છે.

સરકાર અને મહાસભાની વચ્ચે થયેલી સંધિને દેશી રાજ્યો સાથે કશો સંબંધ નથી. દેશી રાજ્યોમાં લડાઈ ન હતી. સમાધાનીની એક પણ શરત દેશી રાજ્યોને લાગુ નથી પડતી. ઇચ્છે તો પણ દેશી રાજ્યોને બાંધવાનો સરકારને અખત્યાર ન હતો. એટલે તાત્ત્વિક દૃષ્ટિએ દેશી રાજ્યો અથવા રૈયતવર્ગ સમાધાનીથી કોઇ પણ પ્રકારે બંધાતાં નથી. તેથી દેશી રાજ્યો ઉપર જેમ સમાધાનીનો અંકુશ નથી તેમ રૈયત ઉપર પણ નથી. રૈયત સત્યાગ્રહ કરી શકે છે, સવિનય ભંગ કરી શકે છે.

પણ આવા હકનું હોવાપણું એક વાત છે, તેનો અમલ કરવો એ બીજી વાત છે. સત્યાગ્રહ કરવો ઉચિત છે કે નહિ, કરનારમાં યોગ્યતા છે કે નહિ, જેને વિષે કરવો છે તે વસ્તુ સત્યાગ્રહ કરવા જેવી છે કે નહિ, એ વિચાર તો પરિસ્થિતિ જોઈને જ થઈ શકે. અને જ્યારે સાથીઓ મારી સલાહ માગે ત્યારે મારે તેમને દોરવા પડે છે, અને ઘણી વાર તેમને સત્યાગ્રહ કરવાનો હક છે એમ કહેવાની સાથે જ કહેવું પડે છે કે તે કરવાનો સમય નથી અથવા પ્રસંગ નથી.

સામાન્ય રીતે મારા અભિપ્રાય મેં પૂર્વે બતાવ્યો છે તે આજે પણ છે. દેશી રાજ્યોની રૈયત જો અત્યારે વિનયથી કરાવાય તેટલા જ સુધારા કરાવી સંતુષ્ટ રહે, રચનાત્મક કામમાં ગૂંથાયેલી રહે તો ઇચ્છિત સ્થાન વહેલું મેળવે. અંગ્રેજી હકૂમત તળે રહેલું હિન્દુસ્તાન સ્વરાજ મેળવશે ત્યારે દેશી રાજ્યના ઘણા પ્રશ્નો એની મેળે ઉકેલાઈ જશે, એવો મારો દૃઢ વિશ્વાસ છે.