પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
દેશી રાજ્યોનો પ્રશ્ન


રચનાત્મક કામ કરનારા દેશી રાજ્યોમાં ઘણા થોડા મળી આવે છે એ શોચનીય છે. જેણે રચનાત્મક કામ નથી કરી જાણ્યું તેને સત્યાગ્રહનો પહેલા પાઠ પણ નથી આવડતો એમ કહેતાં મને સંકોચ નથી થતો. મારે મન રચનાત્મક કાર્ય એટલે રેંટિયો ને ખાદી, રચનાત્મક કાર્ય એટલે અસ્પૃશ્યતાનિવારણ, રચનાત્મક કાર્ય એટલે મદ્યપાનનિષેધ, રચનાત્મક કાર્ય એટલે હિંદુમુસલમાન વચ્ચે મૈત્રી. જે સેવાભાવથી, પ્રેમભાવથી ભીનો નથી તે સત્યાગ્રહ શું કરવાનો છે ? આવા સેવકોની સંખ્યા અંગ્રેજી હિન્દુસ્તાનમાં ઓછી છે, ને દેશી રાજ્યમાં તેના કરતાંયે ઓછી છે, એટલે ત્યાં સત્યાગ્રહ કરવાની સલાહ આપતાં મને સંકોચ થાય જ.

પણ મારી સલાહ માગવા કે તેને અનુસરવા જે બંધાયેલા નથી તેમને આ લેખ લાગુ પડતો જ નથી. જેના સ્વભાવમાં અહિંસા છે, જે સહેજે સત્યાગ્રહી છે, જેને રોમેરોમ સત્ય વ્યાપી રહ્યું છે, જે સેવાની મૂર્તિ છે તે જગદ્‌વંદ્ય છે. તેને મારી સલાહની જરૂર ન જ હોય, ને તેને તેની ઇચ્છા પ્રમાણે સત્યાગ્રહ કરવાનો અધિકાર છે એમ કહેવાપણું જ ન હોય.

પણ જે ક્રોધથી, મદથી ભર્યાં છે, જેનામાં અહંભાવની માત્રા સારી પેઠે છે અને આવેશને લીધે જેની મતિ ડહોળાઈ ગઈ છે તેમને હું અવશ્ય કહું, ‘ધીરજ રાખજો.’ અજાણપણે પણ અવિચાર્યું પગલું ભરશો તો તેનું પરિણામ કડવું આવશે જ, એટલું જ નહિ પણ અત્યારે થોડીઘણી મર્યાદા જળવાતી હશે તે પણ તૂટશે અને તે વેળા ભવિષ્યની પ્રજા જે કહેવાતા સત્યાગ્રહના ત્રાસથી પીડાતી હશે તે આપણને શાપ દેશે ને સત્યાગ્રહ વગોવાશે. તેથી પ્રત્યેક વિચારશીલ મનુષ્ય સત્યાગ્રહની