પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૩૪
કાઠિયાવાડ રાજકીય પરિષદ

આ પરિષદે ભાવનગરમાં પોતાની ઉપર એક અંકુશ મૂક્યો હતો, તે એ કે એક રાજ્યની વિરુદ્ધ ટીકા બીજા રાજ્યમાં ન કરવી. આ અંકુશ તે વખતે કેટલાકને ખૂંચ્યો હતો, પણ મને કે કમને બધાએ કબૂલ રાખ્યો હતો. હવે તે અંકુશ કાઢી નાખવાની હિલચાલ ઊભી થવાના ભણકારા વાગી રહ્યા છે.

અંકુશ કાઢવાના પક્ષમાં દલીલ આ છે: અંકુશ મૂક્યો ત્યારે તે પ્રજાની નબળાઈ ને લીધે મુકાયો હતો, હવે જમાનો બદલાયો છે તેથી તે કાઢી નાખવો જોઈએ.

કાઠિયાવાડ રાજકીય પરિષદને અંકુશ કાઢવો હોય તો તેને તે કાઢવાનો પૂર્ણ અધિકાર છે. તે કાઢવા સારુ મને લાગે છે કે પરિષદ ભરાવી જોઈએ, અથવા તો કાર્યવાહક સમિતિએ પરિષદે કરેલો ઠરાવ કાયદા ઉપરવટ જઈ રદ કરવાનું જોખમ વહોરવું જોઈએ. જ્યારે પ્રજામત એવું પગલું માગે છે એમ કાર્યવાહકોને ચોખ્ખું લાગે ને તે તુરત ભરવાની આવશ્યકતા પણ તેટલી જ સ્પષ્ટ જણાય ત્યારે કાર્યવાહક સમિતિને તેમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય છે.

અહીં તો હું તે અંકુશની યોગ્યતા અયોગ્યતાનો જ વિચાર કરવા માગું છું. મને લાગે છે કે એ અંકુશ નબળાઈની નિશાની ન હતો, પણ વિનયની નિશાની હતો ને આજે છે. એ અંકુશમાં રાજાઓની પરિસ્થિતિની ઓળખ રહી છે ખરી. રાજાઓની પરિસ્થિતિ ઓળખવાનો પરિષદનો ધર્મ છે, તેમ