પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
સત્યાગ્રહીની વરાળ

કહી શકાય. આ વખતે એ પ્રસંગ આવી ગયો હતો એમ મને લાગ્યું છે. સારે નસીબે એ નિર્ણય કરવાની જરૂર પડે તેના પહેલાં જ સત્યાગ્રહની સમાપ્તિ થઈ. હવે સત્યાગ્રહીઓને સલાહ છે કે જે દોષ થયા હોય તેનો જાહેર સ્વીકાર કરીને તેઓ પ્રાયશ્ચિત્ત કરે. દોષનો સ્વીકાર એ શુદ્ધ પ્રાયશ્ચિત્ત છે. એમ કરતાં સત્યાગ્રહીનું બળ વધે છે. સત્યાગ્રહ એટલે શુદ્ધતા. જેમ શુદ્ધતાની માત્રા વધે તેમ સત્યાગ્રહીનું બળ વધે.

મહારાજા સાહેબને મેં ધન્યવાદ આપ્યા કેમકે તેમણે મુદ્દલ આનાકાની વગર સત્યાગ્રહીને છોડી મૂક્યા. પણ મારે એટલું તો કહેવું પડે છે કે તેમના અમલદારોએ ક્યાંયે ભૂલ નથી કરી એમ નથી. સિપાહીવર્ગે મર્યાદા નથી જાળવી. મારપીટ, બળાત્કારના વર્ણનમાં અતિશયોક્તિ હતી, પણ તે વર્ણનોમાં સત્યની માત્રા પણ હતી. આ બધું છેક અનિવાર્ય ન હતું. હું જાણું છું કે પોલીસ ક્યાંયે શુદ્ધ નથી હોતી. પોલીસ બળાત્કારને ધર્મનું સ્થાન આપે છે. દંડ વિના દાંડ ન સમજે એમ તે માને છે. તેમના હાથમાં આવ્યા તે બધા દાંડ જ હોય એમ તે માને છે. સંખ્યાબંધ નિર્દોષ માણસો આ યુગમાં તેમના કબજામાં જાણીજોઈને આવે છે એ તેઓ સમજી જ નથી શકતા, એટલે તેમને મન તો બધા લાઠી, ગાળો વગેરેને પાત્ર હોય છે. આમ હોવાથી, જેના હાથમાં સત્તા છે એ જો ન્યાય તોળવા ઇચ્છે તો તેણે પોતાની પોલીસને સાવધાન કરવી જોઇએ. પણ આટલેથી મારે બસ કરવું ઘટે છે. તુલસીદાસનું અમર વચન છે :

जडचेतन गुणदोषमय विश्व किह किरतार ।
संतहंस गुण गहहीं फ्य परिहरि वारिविकार ॥