પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

પ્રકારની સેવા ન ફાવે તે પોતાને પસંદ પડે તે ક્ષેત્ર પસંદ કરી લે ને તેમાં તન્મય થાય. એવી પસંદગી કર્યા પછી, એક છોડીને બીજામાં ને તે છોડીને ત્રીજામાં એમ ન થવું જોઈએ. રાજકીય પરિષદ ભરવી જ ઘટે તો તે ભાવનગરમાં મેં આંકેલી મર્યાદાની અંદર ને પોરબંદરમાં જે પ્રથા પડી તે પ્રમાણે જ ભરાવી જોઈએ. તે દેશી રાજ્યોની હદ બહાર ન જ ભરાવી જોઈએ. એક જ રાજ્યમાં રજા મળે ત્યાં વરસોવરસ ભરાય. અમરેલીમાં ભરી શકાય; પણ કાઠિયાવાડનું જ કોઈ રાજ્ય હોય તો વધારે સારું.

પ્રજામંડળ તો દરેક રાજ્યને વિષે હોવાં જોઈએ. તેમાં યથાશક્તિ જે સેવા થાય તે કર્યા કરવી જોઈએ.

મેં આંકેલી મર્યાદા પ્રમાણે રાજકીય પરિષદ તો જુદાં જુદાં રાજ્યોના અન્યાય ઇત્યાદિના પ્રશ્નો છૂટથી ન ચર્ચી શકે. એનો અર્થ એવો ન થાય કે એ ક્યાંય ન ચર્ચાય. તે તે રાજ્યોની પ્રજા તે તે પ્રશ્નોને અવશ્ય ચર્ચે, તેને વિષે ન્યાય મેળવવા પ્રયત્ન કરે, ને એમ કરવાનો તેનો ધર્મ છે. તેથી મનાઇ હુકમો અને અન્યાયો જે રાજ્યોમાં થતાં હોય ત્યાં તેની ચર્ચા છૂટથી કરાય. અહીં મર્યાદા સત્ય અને અહિંસાની હોય. જે કહેવાય તે સો ટકા સત્ય હોય, અતિશયોક્તિ અને અવિનય રહિત હોય. જે કરવાની પોતાનામાં શક્તિ ન હોય તે કરવાની ધમકી કદી ન અપાય. જગતમાં ઘણી વસ્તુઓ આપણે અશક્તિને લીધે સહન કરવી પડે છે.

મજૂરોની સ્થિતિ સુધારવાને અંગે તેઓનું સંગઠન કરવું જ જોઈએ. સહુ જાણે છે કે અમદાવાદમાં જે નીતિ શ્રીમતી અનસૂયાબહેને ગ્રહણ કરી છે તેને જ હું તો પસંદ કરું છું.